સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મંગળવારે એક બેઠક મળી હતી. જેમાં યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે SU EXAM SUGAM નામની એપ્લીકેશન બનાવવા માટે ચર્ચા કરાઈ હતી. આ એપ્લીકેશનમાંથી છાત્રોને પરિણામ, હોલ ટિકિટ, ટાઈમટેબલ, પર્સનલ ડીટેલ, પરીક્ષા ફોર્મ, રિએસેસમેન્ટની વિગત તથા જૂના પ્રશ્નપત્રો અને ઈ-લાઈબ્રેરી જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાશે. જેનાથી છાત્રોનો સમય પણ બચશે.

મંગળવારે યુનિવર્સિટીમાં મળેલી આચાર્યોની બેઠકમાં વિદ્યાર્થીઓ માઈગ્રેશન, રેન્ક સર્ટિફિકેટ, પ્રોવિઝનલ સર્ટિફિકેટ, ડિગ્રી સર્ટિફિકેટ, પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ, પરિણામ, માર્કશીટ સુધારવી, ડુપ્લિકેટ માર્કશીટ સહિતની અરજી ઓનલાઈન કરી શકે તેવી વ્યવસ્થા કરવા પણ ચર્ચા કરાઈ હતી. કુલપતિએ જાહેર કરેલા એકેડેમિક કેલેન્ડરમાં 16 જૂનથી 5 ઓક્ટોબર સુધી 90 દિવસનું પ્રથમ સત્ર રહેશે.

20 ઓક્ટોબરથી 9 નવેમ્બર દરમિયાન દિવાળી વેકેશન રહેશે. બીજું સત્ર 10 ઓક્ટોબરથી 25 ફેબ્રુઆરી સુધીનું રહેશે. 1 મેથી 14 જૂન ઉનાળુ વેકેશન રહેશે. યુનિવર્સિટીમાં મળેલી પ્રિન્સિપાલની બેઠકમાં આગામી પરીક્ષાઓના સુચારું આયોજન સહિતના મુદ્દે સૂચનાઓ આપી હતી. આચાર્યોએ પણ બેઠક દરમિયાન જુદા જુદા સૂચનો કર્યા હતા.

