રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડમાં એક યુવકને જાહેરમાં પટ્ટા વડે ફટકારી માર માર્યાની ઘટના સામે આવી છે. આ ઘટનાનો વીડિયો રાજકોટના સોશિયલ મીડિયામાં જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, પટ્ટાથી ફટકારનાર યુવક વારંવાર એવું કહે છે કે, અમને ઓળખતો નથી. પછી ફટ્ટાથી ફટકા માર્યા કરે છે. આ ઉપરાંત એની બોચી પકડીને પણ ત્રાસ ગુજારે છે. આ સમગ્ર ઘટના ત્યાં રહેલા કોઈ વ્યક્તિએ કેમેરામાં કેદ કરી લીધી હતી.

આ વીડિયો સોશિયલ મીડિયામાં જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. આવી ઘટનાને લઈને લોકોએ પોલીસની કામગીરી સામે પ્રશ્નો ઊઠાવ્યા છે. ભરબપોરે આ ઘટના બની હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, આ માણસો કોણ છે અને શા માટે યુવાનને જાહેરમાં ફટકારવામાં આવી રહ્યો છે એ અંગે હજું સુધી કોઈ પ્રકારની વિગત સામે આવી નથી. જોકે, રાજકોટ શહેરમાં જાહેરમાં થતી આવી લુખ્ખાગીરી એ કોઈ નવી વાત નથી. ખાસ કરીને વીકએન્ડમાં જાહેર સ્થળોએ આ પ્રકારના રોમિયો ટોળે વળીને ઉભા રહે છે અને ત્યાંથી પસાર થતી યુવતીઓ પર કોમેન્ટ પાસ થાય છે.

