વડોદરામાં ઈન્ટરનેશનલ કક્ષાના એરપોર્ટનું પાંચ વર્ષ પહેલા વડાપ્રધાન મોદી ઉદઘાટન કર્યું હતું. પણ પાંચ વર્ષનો લાંબો સમય વીતી ગયા બાદ પણ એરપોર્ટ ઉપરથી એકપણ ઈન્ટરનેશનલ ફ્લાઈટ ઉડી નથી. તો બીજી તરફ એરપોર્ટ ઓથોરીટી રન-વે ટૂંકો હોવાનું જણાવી રહ્યાં છે. જેથી વડોદરાવાસીઓનું અમેરિકા કે કેનેડાની સીધી ફ્લાઈટનું સપનું ચકનાચુર થયું છે.

એરપોર્ટ સૂત્રોના જણાવ્યા અનુસાર, વડોદરામાં નવું આંતરરષ્ટ્રીય ટર્મિનલ તો તૈયાર છે, પરંતુ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવા માટે જરૂરી કસ્ટમ અને ઇમિગ્રેશનની સુવિધા અહીં હજુ સુધી શરૂ કરવામાં આવી નથી. જો કેન્દ્ર સરકાર મંજૂરી આપે તો આ સુવિધાઓ અહીં શરૂ થઇ શકે. એરપોર્ટનો રન-વે હાલ 2466 મીટરનો છે, જેના પર 200 જેટલા મુસાફરોને લઇ જતી ફ્લાઇટ જ લેન્ડ કે ટેકઓફ થઇ શકે, પરંતુ કેનેડા કે અમેરિકા જેવા દેશોમાં જતી 300થી 500 પેસેન્જરની ફ્લાઇટ માટે હાલનો રન-વે લંબાઇ અને પહોંળાઇ એમ બંને રીતે ટૂંકો પડે છે.

જોકે 200 પેસેન્જરની ક્ષમતાવાળી સીધી ફ્લાઇટ ભારતના પડોશી દેશો દુબઇ કે શ્રીલંકા માટે શરૂ થઇ શકે છે. હાલ વડોદરા એરપોર્ટ પર 200 જેટલા પેસેન્જરની કેપેસિટીવાળાં વિમાન જ ઓપરેટ થાય છે. ઉલ્લેખનીય છે કે આંતરષ્ટ્રીય કક્ષાના વિમાનને લેન્ડ કરાવવા માટે અંદાજે 3300 મીટરના રન-વેની જરૂર પડે છે. શહેરના નવા એરપોર્ટ બિલ્ડિંગમાં પિક-અવર્સ દરમિયાન 500 ડોમેસ્ટિક અને 200 ઇન્ટરનેશનલ પેસેન્જર્સનું હેન્ડલિંગ કરવામાં સક્ષમ છે. બીજી તરફ, અહીં નવું એટીસી ટાવર પણ બની રહ્યું છે, જેનો ખર્ચ 33 કરોડ રૂપિયા જેટલો થશે. જેમાં નવી ટેક્નોલોજીવાળી સિસ્ટમ પણ લાગશે, જેનું કામ આગામી એક વર્ષમાં પૂર્ણ થશે.

દર વર્ષે વડોદરા એરપોર્ટ પર 1.2 લાખ મુસાફરોની અવરજવર રહે છે. એરપોર્ટ પર હાલ માત્ર ડોમેસ્ટિક હવાઇ સેવા જ ઉપલબ્ધ છે, જેમાં દિલ્હી, મુંબઇ, હૈદરાબાદ, બેંગલુરૂ અને જયપુરની ફ્લાઇટ ઓપરેટ કરવામાં આવે છે. જેમાં પણ રાત્રે સાડા દસ વાગ્યાથી સવારે સાડા છ વાગ્યા સુધી કોઇ પણ ફ્લાઇટ આવતી નથી.

