રાજ્યમાં બે વર્ષ બાદ હોળી અને ધુળેટીનો પર્વ ઉજવવા માટે નગરજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. રાજકોટમાં આંગણવાડીમાં ભુલકાઓએ હોળી પર્વની અનોખી ઉજવણી કરી છે. જેમાં ચાર આંગણવાડીના 130 બાળકોએ જોકરની સાથે અને ડીજેના તાલે ધુળેટી રમ્યાં હતાં. તેમજ એનજીઓ દ્વારા ખજૂર, ધાણી, દાળિયા અને એક જોડી કપડાની ભેટ આપવામાં આવી હતી.

આજે ફાગણ માસની પૂનમ એટલે કે હોળીનો પર્વ અને આવતીકાલે ધુળેટીનો પર્વ છે. ત્યારે આવતીકાલે દરેક શાળા કોલેજોમાં જાહેર રજા આપવામાં આવતી હોય છે. જેના કારણે આજે ઘણી જગ્યા પર શાળા કોલેજોમાં ધુળેટી ઉજવાતી હોય છે. પરંતુ આ વખતે રાજકોટમાં આંગણવાડીમાં પણ ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટના લક્ષ્મીનગર વિસ્તારમાં આવેલ શાળા નંબર 47માં આંગણવાડીના ભુલકાંઓએ ધુળેટીના પર્વની ઉજવણી કરી હતી.

શેર વિથ સ્માઈલ એનજીઓ દ્વારા દત્તક લેવામાં આવેલ 4 જેટલી આંગણવાડીના 130 બાળકો આજે ધુળેટી પર્વની ઉજવણી કરી હતી. જેમાં એક જોકર ખાસ ઉપસ્થિત રહ્યો હતો અને જોકર ડીજેના તાલે બાળકો સાથે રંગેરમી ધુળેટીની ઉજવણી કરી હતી. એટલું જ નહિ આ સાથે 130 જેટલા બાળકોને ભેટમાં એક જોડી કપડાં, ધાણી, ખજૂર અને દાળિયા આપવામાં આવ્યા હતા.

