રાજકોટની ઘણી બેંકમાં છેલ્લા કેટલાક સમયથી બનાવટી નકલી નોટ પધરાવી દેવાનું દૂષણ વધી ગયું છે. પોલીસ પણ આ પગેરૂ શોધવું માથાનો દુઃખાવો બની ગયું છે. અનેક પ્રકારના પ્રયોગ કરવામાં આવ્યા છતાં આ દૂષણ અટકતું નથી. શહેરની જુદી જુદી નોટ જે બેંકમાં પધરાવી દેવામાં આવી હતી એ બનાવટી નોટ ક્રાઈમ બ્રાંચમાં આપી દીધા હોવાનું જાણવા મળ્યું છે. હવે ક્રાઈમ બ્રાંચ આ કેસ સ્પેશિયલ ઑપરેશન ગ્રૂપને સોંપશે. આ પછી સમગ્ર મામલાની તપાસ થશે.
ક્રાઈમ બ્રાંચે આપેલા નકલી નોટના પોટલામાં રૂ.100, 500 અને 2000ની નકલી ચલણી નોટ છે. આ તમામ ચલણની નકલી નોટ હોવાની આશંકા વ્યક્ત થતા આવી તમામ નોટનું પોટલું તૈયાર કરી ક્રાઈમ બ્રાંચને આપી દેવાયું છે. માત્ર એક બેંકની વાત નથી જુદી જુદી બેંકમાંથી આવી નોટ ભેગી કરવામાં આવી હતી. જે છેલ્લા બેથી ત્રણ વર્ષમાં બેંકમાં આવી છે. ક્રાઈમ બ્રાંચે આ પોટલાનો સ્વીકાર કરી એની સોંપણી SOGને કરી દેશે. જે ખાતામાં આ નોટ જમા થઈ હતી એ ખાતાના ધારકો, નંબર, નામ સહિતની વિગત પણ પોલીસને આપી દેવામાં આવી છે. હવે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ થશે. વર્ષ 2017થી એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં નકલી નોટના ગુનાની તપાસ SOG કરશે એવો આદેશ આપવામાં આવ્યો હતો. પોલીસ સૌથી પહેલા એક જ ખાતામાં મોટી સંખ્યામાં જમા થયેલી નકલી નોટની તપાસ કરશે. જેમાં આશંકા જતા તરત જ ધરપકડ સહિતની કામગીરી પણ કરવામાં આવશે. નકલી નોટ જમા ન થાય એ માટે બેંક તરફથી કટેલાક નિયમ ઘડવામાં આવ્યા છે.

તેમ છતાં કેટલીક છટકબારી શોધીને ભેજાબાજો નકલી નોટ ખાતામાં પધરાવી જાય છે. એટલે હવે આ દૂષણને અટકાવવું બેંકના હાથમાં ન હોવાથી હવાલો પોલીસને આપી દેવામાં આવ્યો છે. જોકે, જોવાનું એ રહે છે કે, આ તપાસમાં ક્યા મોટા માથાના નામ ખુલે છે. સામાન્ય રીતે જ્યારે પણ બેંકમાં કોઈ વ્યક્તિ પૈસા ભરવા માટે આવે છે ત્યારે મશીનમાં પૈસાની ગણતરી થાય છે. પણ ઘણી એવી નોટ છે જે આમાં સ્કેન ન થતા ડાયરેક્ટ જમા થઈ જાય છે. આનો નીવેડો લાવવા મટે બેંકે પોલીસને તપાસ કરવા અપીલ કરી છે.

