રાજકોટમાં મહિલા પોલીસ કર્મચારીની ગેરવર્તણૂક સામે આવી છે. રૈયારોડ ઉપર આવેલી લાઈબ્રેરીના કર્મી ઉપર હાથ ઉગામીને મોબાઈલ ફોનની લુંટ ચલાવતા ચકચાર મચી ગઈ છે. આ ઘટના બાદ ભારે હોબાળો થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ કર્મીઓ સાથે પણ ઘર્ષણ થયું હતું. બાદમાં લાઈબ્રેરીના સત્તાધીશોએ કર્મી સાથે ગેરવર્તુણક અને મોબાઈલની લુંટ ચલાવી હોવાના સીસીટીવી બતાવી હતી અને પોલીસ ફરિયાદનું કહેતા તુરંત જ મહિલા કોન્સ્ટેબલે માફી માગી હતી અને સમગ્ર મામલો થાળે પડ્યો હતો.

રૈયારોડ પર આવેલી બાબુભાઈ વૈદ્ય લાઇબ્રેરીમાં પીએસઆઈની મેઈન્સની તૈયારી કરતી આણંદની મહિલા કોન્સ્ટેબલે સ્ટાફના કર્મી સાથે હાથ ઉગામ્યાનો આક્ષેપ કરતા વિદ્યાર્થીઓના ટોળું એકઠું થઇ જતા એનએસયુઆઈ, એબીવીપીના કાર્યકરો પહોંચી જતા હોબાળો થયો હતો. ટોળાને વિખેરવા મનપાની વિજીલન્સ પોલીસ બાદ યુનિવર્સિટી પોલીસ પહોંચી ગઈ હતી. આ સમયે વિદ્યાર્થી સંગઠનોના કાર્યકરોએ પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું. બાદમાં સ્ટાફ કર્મી અને મહિલા કોન્સ્ટેબલને યુનિવર્સિટી પોલીસ મથક લઇ જવાયા હતા.

આ સમયે શહેરના ચીફ લાઇબ્રેરિયન નરેન્દ્ર આરદેશણાએ પોલીસને સીસીટીવી ફૂટેજ બતાવ્યા હતા અને તે મહિલા કોન્સ્ટેબલ સામે એફઆઈઆરની વાત કરી અને કહ્યું કે તે વિદ્યાર્થિની સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિદ્યાર્થીઓના વિભાગને બદલે નીચે જનરલ સેક્શનમાં બેઠા હતા. લાઇબ્રેરીના કર્મચારી સાર્થકે વિદ્યાર્થીઓના વિભાગમાં જવા કહ્યું તો ન માન્યા અને તે બાદ આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન તૃપ્તિબેનને મોકલતા તેમને પણ જોઈ લઈશ તેવી ધમકી આપી અને લાઇબ્રેરીના કર્મી સાર્થકને બે લાફા મારી મોબાઈલ ઝૂંટવી લીધો હતો. આથી વિદ્યાર્થિનીએ માફી માંગી કે હવે લાઇબ્રેરીમાં નહીં આવીએ.

