ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું એલાન થાય એ પહેલા તમામ રાજકીયપક્ષો મજબુતી પ્રાપ્ત કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ક્યાંક આંતરિક વિખવાત શાંત કરવા પ્રયાસ થાય છે તો ક્યાંક જૂથવાદને થાળે પાડવા માટે દોડાદોડી થઈ રહી છે. કોંગ્રેસના સુત્રોમાંથી જાણવા મળ્યું છે કે, આવનારા 15 દિવસમાં ગુજરાત મહિલા કોંગ્રેસના નવા પ્રમુખ જાહેર થઈ શકે છે. ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખપદ માટે દિલ્હી ખાતે ગુજરાત રાજ્યના ત્રણ દાવેદારોને ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યા છે.
આ દાવેદારોમાં અમદાવાના ગીતા પટેલ, વડોદરાના તૃપ્તિ ઝવેરી અને અમરેલીના જેની ઠુમરનો સમાવેશ થાય છે. ગુજરાતમાંથી પસંદગી પામેલી 3 મહિલાઓને દિલ્હી બોલાવવામાં આવી છે. એવું સુત્રો કહે છે. નેટા ડીસુઝા (રાષ્ટ્રીય મહિલા કોંગ્રેસના પ્રમુખ) એ આ ત્રણેય મહિલા દાવેદારના ઈન્ટરવ્યૂ લીધા છે. કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર પોતાની ટીમ તૈયાર કરવા માટે પગલાં લેવાના શરૂ કરી દીધા છે. નવી ટીમ ગુજરાતમાં ચૂંટણી પ્રચારની જવાબદારી સંભાળી શકે છે. જોકે, કોને શું જવાબદારી સોંપવામાં આવે એ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી. ગુજરાતમાં મહિલા કોંગ્રેસની કમાન કોઈ પાટીદાર વ્યક્તિને સોંપાઈ શકે એવા એંઘાણ છે. અટકળો એવી પણ ચાલી રહી છે કે, ગુજરાતમાં કોંગ્રેસ એક મજબૂત ટીમ સાથે ચૂંટણી અભિયાન શરૂ કરી શકે છે. આ કારણે ગીતાબેન અને જેની ઠુમ્મરને હાલમાં આ માટેના પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખની ટર્મ પૂરી થતાં નવા ચેહરાની શોધ ચાલું થઈ ગઈ છે. જોકે હજુ સુધી કોને જવાબદારી આપવામાં આવે એની કોઈ ચોખવટ પક્ષના કોઈ પદાધિકારીએ કરી નથી.

આ પહેલાં વંદનાબેન પટેલનું નામ આ રેસમાં ચાલી રહ્યું હતું. વંદના પટેલ કે ગીતા પટેલમાંથી કોઈ એક ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ પદે આવી શકે એમ છે. હવે વંદના પટેલ ચિત્રમાં નથી. એટલે ગીતા પટેલ પર અપેક્ષા વધી ગઈ છે. હાલ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ રાજકોટ શહેર કોંગ્રેસનાં ગાયત્રીબા વાઘેલા છે. પણ ઑક્ટોબર મહિનામાં જ ગાયત્રીબા વાઘેલાની ટર્મ પૂરી થઈ ગઈ હતી. ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે ગાયત્રીબાના સ્થાને કોને બેસાડવા તેનો નિર્ણય હાઈકમાન્ડમાંથી આવી શકે છે. અનામત આંદોલનથી ગીતા પટેલ સક્રિય થયા હતા. જેને કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલને ખૂબ નજીક માનવામાં આવે છે. તેઓ જિલ્લા પંચાયત ગાંધીનગરના સભ્ય પણ રહી ચૂક્યા છે. વિધાનસભાની 2017ની ગુજરાતની ચૂંટણીમાં ઠક્કરબાપા નગર બેઠક પરથી ગીતાબેન ચૂંટણી પણ લડ્યા હતા. કોંગ્રેસના સુત્રોમાંથી જાણવા મળ્યું છે કે, ગીતા પટેલ અને જેની ઠુમ્મર આ રેસમાં સૌથી મોટા દાવેદાર માનવામાં આવે છે. જેની ઠુમ્મર મૂળ સૌરાષ્ટ્રના છે અને પોતાના વિસ્તારમાં એનો સારો એવો ડંકો વાગી રહ્યો છે.


