કોંગ્રેસના મોટા નેતા જગદીશ ઠાકોરે ગાંધીનગરના SP મયુર ચાવડા પર આરોપ લગાવતા કહ્યું હતું કે, SPએ મને ખૂબ મા બહેન સામે ગાળો ભાંડી છે. જગદીઠ ઠાકોરે ઉમેર્યું હતું કે, જ્યારે હું વિધાનસભા પહોંચ્યો ત્યારે અમારા લાલાજીભાઈએ કહ્યું કે તમારા નામથી અમે જિલ્લાપોલીસ વડાને વાત કરી રહ્યા છીએ. તે મા બહેન સામી ગાળો બોલે છે. આ ગાંધીનગરના SP,જે મહિલાના વાળ પકડે છે. ધોકા મારે છે,બેફાન બિભત્સ ગાળો દે છે. જે ટપોરી પણ ના બોલે, એવી ગાળો જ્યારે જિલ્લા પોલીસવડા બોલતા હોય ત્યારે એના હાથમાં જે ખંજવાળ હોય એ અમારે જોવી પડે.
અમારી બહેનોને હોસ્પિટલમાં દાખલ કરી છે. એની તબિયત સારી નથી. એની ફરિયાદ લઈ જિલ્લા પોલીસવડા પર ફરિયાદ દાખલ કરવી છે. અમારી ફરિયાદ છે એટલે અમે અહીં બેઠા છીએ. જો ઉશ્કેરવામાં આવ્યા હોય તો જેલમાં ઘાલી દો. જે દીકરી હોસ્પિટલમાં ઝેર ખાઈને પડી છે. એ એવું બોલે છે કે, આ મંત્રીએ મારૂ શોષણ કર્યું છે એ ફરિયાદ લખાવે છે. તો એને જેલમાં મૂકો, દારૂ જુગારના અડ્ડા એક કિમીના એરિયામાં ચાલે છે એ ચલાવે છે એને જેલમાં મૂકો. વિપક્ષ તરીકે તો રોડ પર કોંગ્રેસ આવવાની છે. આવી ગાળો કે લાકડીઓથી કોંગ્રેસ ગભરાશે નહીં. અમને જે કંઈ કરવું હોય એ કરવાની છૂટ છે.

કોંગ્રેસ ડરશે નહીં. લડશે. પૂરી તાકાતથી લડશે. ગાડીમાં બેસાડી દીધા પછી મહિલાઓને ચાર લાફા મારવામાં આવ્યા છે. એ પણ જિલ્લા પોલીસવડાએ. શું આ વ્યાજબી છે? જિલ્લા પોલીસવડા અને ઉચ્ચ અધિકારીઓએ આ કામ કર્યું છે. પુરૂષ પોલીસ અને મહિલા પોલીસ એમ બંનેએ અત્યાચાર કર્યો છે. મહિલા દિવસના દિવસે મહિલા સાથે આવું બન્યું છે. એને ભાન હોવું જોઈએ પોતાના ઘરમાં પણ બહેન દીકરીઓ હોય. હાથ નાંખતા અને ધોકા મારતા વિચાર કરવો પડે. લોકશાહી છે. મંજૂરી ન હોય તો ધરપકડ કરો. આમા તો મંજૂરી હતી. તમે તમારી વ્યવસ્થા સંભાળો.

જે વીડિયોમાં તમને જે કંઈ દેખાય એને પકડીને જેલમાં ઘાલી દો. મારવાનો અધિકાર નથી. ગાળો દેવાનો અધિકાર નથી. આ કોઈના બાપનું ગુજરાત નથી. ગુજરાત એમ કોઈનાથી ડરશે નહીં. કોંગ્રેસ એમ ડરવાની નથી. આ બધુ અંગ્રેજોની નીતિ પર ચાલે છે. અમે કેટલાય અંગ્રેજોને કાઢી મૂક્યા. આ અમે ચાલવા જ નહીં દઈએ. અમને ફોન આવ્યો એટલે તાત્કાલિક અમે આવ્યા છીએ. 108 બોલાવીને ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડ્યા, બે બહેનોની સાથી છીએ. તબિયત સારી થાય એ પ્રાથમિકતા છે. અમને માર્યા છે એટલે અમારી ફરિયાદ લો.
મામલો એવો હતો કે, ગાંધીનગરમાં પોલીસ અને કોંગ્રેસ મહિલા કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસ મહિલા વિંગ તરફથી વિશ્વ મહિલા દિવસની ઉજવણી નિમિતે સેવાદળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પછી કોંગ્રેસની મહિલાઓ તરફથી વિધાનસભાનો ઘેરાવો કરવા જતા પોલીસ સાથે તકરાર થઈ ગઈ હતી. એ તમામને અટકાવવામાં આવતા મામલો ગરમાયો હતો. જેમાં પ્રગતિ આહિર સહિત કોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓની અટકાયત કરી પોલીસ પકડી ગઈ હતી. જેમાં વાનમાં લાફા માર્યા હોવાની વાત સામે આવી છે.

કોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓએ ગુજરાતમાં સ્ત્રીઓ પર થતા કુકર્મ, કરિયાવર, આત્મહત્યા અને અત્યાચારના બનાવો સહિતના અનેક મુદ્દા સામે વિધાનસભા ગૃહને ઘેરવાનો પ્લાન તૈયાર કર્યો હતો. પણ મહિલાઓ ત્યાં સુધી પહોંચે એ પહેલા જ પોલીસ પહોંચી ગઈ હતી. મહિલાઓ સાથે ઝપાઝપી થઈ હતી. આમ મહિલા કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે માથાકુટ થઈ હતી. કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું હતું કે, ધોળા દિવસે મહિલાઓના ગળા ન કપાય, કોઈ અસામાજિક તત્વ તેમની પર એસીડ ન ફેંકે. કોઈ એક તરફી પ્રેમમાં મહિલાઓના નાક ન કાપે. રાજ્યમાં મહિલાઓ અને દિકરીઓની સલામતી માટે સરકાર યોગ્ય વ્યવસ્થા કરે તેવી માંગ કરી હતી.


