ગુજરાત જ નહીં દેશની મોટાભાગની વસ્તી પૌષ્ટિક આહાર તરીકે દૂધનો ઉપયોગ કરે છે. ખાસ કરીને કોરોના કાળથી દૂધનો ઉપયોગ વધ્યો છે. જોકે, ચાર દિવસ પહેલા જ અમુલ દૂધના ભાવમાં રૂ.2 અને છાશના ભાવમાં એક રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. એ પછી હવે સ્થાનિક સ્તરે દૂધ આપતા માલધારીઓએ દૂધના ભાવમાં વધારો કરવા માટે સર્વત્ર એક અપીલ કરી છે. સૌરાષ્ટ્રના મહાનગર રાજકોટમાં લિટરે રૂ.1 છૂટક દૂધના ભાવમાં રૂ.5નો વધારો કરવા માટે માલધારી સમાજના આગેવાનો તરફથી એક અપીલ કરવામાં આવી છે.
આ અંગે સોશિયલ મીડિયા પર એક મેસેજ જાહેર કરી આગેવાનોએ કહ્યું હતું કે, બ્રાન્ડેડ દૂધના ભાવમાં વધારો થાય તો અમારો શું વાંક? રાજકોટમાં માલધારી આગેવાનોએ શહેરમાં છૂટક દૂધ વેચતા હજારો પશુપાલકોને બ્રાન્ડેડ દૂધના ભાવ વધે તો એના પગલે દૂધના ભાવ સંયુક્ત રીતે વધારવાની અપીલ કરી છે. જોકે, ગાયના ખોરાકમાં પણ એક વર્ષમાં બમણો વધારો થયો છે.જેના કારણે આપણે ભાવ વધારો કરવો જોઈએ એવું એમનું કહેવું છે. અમુલ દૂધે લિટરે રૂ.2નો ભાવ વધારો કર્યો છે. આ પહેલા કંપનીએ તા.1 જુલાઈ 2021ના રોજ પ્રતિ લિટરે રૂ.2નો ભાવ વધારો કર્યો હતો. ઈનપુટ ખર્ચામાં થયેલાને ધ્યાને લઈ ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડેરેશનના સભ્ય સંઘ તરફથી ખેડૂતોને ચૂકવવામાં આવતી કિંમતમાં કિલો ફેટ દીઠ રૂ.35થી 40નો વધારો કરવામાં આવ્યો છે. જે અગાઉના વર્ષ કરતા પાંચ ટકા વધારે છે. જોકે, રાજકોટમાં સ્થાનિક સ્તરે છેલ્લા બે વર્ષથી છૂટક રીતે દૂધમાં કોઈ ખાસ વધારો કરાયો નથી. હવે અમૂલ દૂધને પગલે આ ભાવ વધારો કરવા અપીલ કરવામાં આવી છે.
જોકે, જો તમામ સ્થાનિક સ્તરે દૂધના ભાવમાં ભાવ વધારો થશે તો ફરી એકવખત ગૃહિણીઓનું બજેટ ખોરવાશે. કારણ કે, સૌરાષ્ટ્ર કચ્છમાં અમૂલ દૂધની સાથોસાથ છૂટક દૂધ લેનારા પરિવારોની સંખ્યા લાખોમાં છે. જેના કારણે ફરી એક વખત આ તમામ પરિવારો પર આર્થિક રીતે માર પડવાની પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે. જોકે, રાજકોટ બાદ ક્યા ક્યા જિલ્લા તથા નગર આ ભાવ વધારાની અપીલને સ્વીકારીને દૂધના ભાવ વધારે છે. એ જોવું રહ્યું છે. બીજી તરફ જ્યારે સતત પેટ્રોલ ડીઝલના ભાવ વધે છે ત્યારે તમામ વર્ગને એક અસર થાય છે. પણ જ્યારે ડીઝલના કે પેટ્રોલના ભાવ ગગડે છે કે સ્થિર રહે છે ત્યારે દૂધના ભાવ ઘટતા નથી આ પણ એક હકીકત છે.

