રાજકોટના કરણપરામાં આવેલી એક નોવા હોટેલમાંથી યુવતીની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. રાજ્યમાં ગ્રીષ્મા હત્યા કેસ પછી યુવતીની હત્યાના કેસ વધી રહ્યા છે. એવામાં રાજકોટમાંથી આવો કેસ સામે આવતા મહિલાઓ પર થતા અત્યાચારની ઘટનામાં વધારો થયો છે. આ ઘટનાની જાણ થતા એ ડિવીઝન પોલીસની ટીમ દોડતી થઈ ગઈ હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો. પોલીસે આ સમગ્ર રૂમની તપાસ શરૂ કરી હતી. જ્યાં એક એસિડની કોથળી પણ મળી હતી.

જ્યારે યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવતી જામનગરની હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે યુવાન કચ્છનો હોવાનું જાણવા મળ્યું છે. આ યુવાનનો પ્લાસ્ટિકની લોકર પટ્ટીથી ગળેટૂંપો દઈ પતાવી દેવાનો પ્લાન હતો. જામનગરની આ યુવતી અને કચ્છનો યુવાન જેમીસ ધનરાજભાઈ દેવાયતા વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું જાણવા મળ્યું છે. ACP જી.એસ. ગેડમે આ અંગે એવી સ્પષ્ટતા કરી કે, પ્રાથમિક તારણ એવું છે કે, જેમીસે યુવતીના ગળે પ્લાસ્ટિકની લોકર પટ્ટીથી ગળેટૂંપો હત્યા કરી દીધી. જેમીસ અને યુવતી ગુરૂવારે સવારે 9 વાગ્યે નોવા હોટલમાં ચેક ઈન કરી રૂમમાં ગયા હતા. આ બંને વ્યક્તિઓ હોટલના 301 નંબરના રૂમમાં રોકાયા હતા. જેમીસે યુવતીની હત્યા કરીને અને પોતે એસિડ પીતા પહેલા તેણે પોતાના પરિવારને જાણ કરી હતી. જોકે, જેમીસ હોટેલમાં એસિડ કેવી રીતે લઈ ગયો એ અંગે તપાસ ચાલું છે. હાલ બંનેના ફોન જપ્ત કરી પગલાં લેવામાં આવશે. ફોનમાંથી પોલીસને કેટલાક રેકોર્ડિંગ મળ્યા હોવાના વાવડ છે.

મૃતકના પિતાએ રડતા અવાજે કહ્યું હતું કે, ગુરૂવારે સવારથી જ મારી દીકરીનો ફોન સ્વિચઓફ આવતો હતો. પણ તે સાંજ સુધી ઘરે ન આવી એટલે મેં ફોન કર્યા હતા. ફોન કરતા જેમીસે મારી દીકરીની હત્યા કરી નાખી અને હું પણ આપઘાત કરું છું એવું કહ્યું હતું. કરણપરા રોડ પર નોવા હોટલમાં હોવાનું ફોનમાં જણાવ્યું હતું. આ પગલું ભરવાનું કારણ કોઈ સ્પષ્ટ કહ્યું ન હતું.
મૃતકના પિતાએ એવું પણ કહ્યું હતું કે, પ્રેમ સંબંધ હોવાની તેણે કોઈ દિવસ અમને જાણ કરી ન હતી. ફ્રેન્ડ સર્કલ હોવાની ચર્ચા થઈ પણ આવી કોઈ વાત અમારા ધ્યાને આવી નથી. અમારી માંગ છે કે, અમારી દીકરીની હત્યા કરનાર સામે કડક પગલાં લેવામાં આવે. મારી દીકરી ભણવા જતી ત્યારે બપોરે રિસેસ પડે તો પણ મને ફોન કરતી અને કહેતી પપ્પા રિસેસ પડી છે. જેમીસને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેતું ખસેડાયો છે. યુવતીએ પોતાની માતા પાસે અ અંગે મદદ માંગી હતી. માતા પિતાને આ અંગે જાણ થતા તેઓ રાજકોટ દોડી આવ્યા હતા. રાજકોટ પહોંચે તે પહેલા જેમીસે યુવતીને પતાવી દીધી હતી. હોટલના બાથરૂમમાં લોહીના નિશાન અને એક જીન્સનું પેન્ટ હોટેલમાંથી મળી આવ્યું છે. તેમજ જેમીસ એસિડ પ્લાસ્ટિકની કોથળીમાં લાવ્યો હોવાનું જાણવા મળી આવ્યું છે. પોલીસ આ અંગે પણ વધુ તપાસ હાથ ધરી છે.

હોટલમાં અંદર જવા માટે યુવતીના આધારકાર્ડમાં છેડછાડ કર્યાનું પણ સામે આવ્યું છે. યુવતી એના આધારકાર્ડ અનુસાર માત્ર 17 વર્ષની છે. જ્યારે હોટલને ઝેરોક્ષની નકલ આપી તેમાં જન્મનું વર્ષ 2003 બતાવે છે. હકીકતમાં એનો જન્મ 2005માં થયો હતો. હોટેલમાં આપેલી ઝેરોક્ષ નકલ પ્રમાણે યુવતીની ઉંમર 19 વર્ષ અને ઓરિજનલ આધારકાર્ડમાં ઉંમર 17 વર્ષ થાય છે. આથી યુવતીને હોટલમાં લાવવા માટે જેમીસે આધારકાર્ડની ઝેરોક્ષમાં છેડછાડ કરી નાંખી હતી. આ મામલે પોલીસે આધારકાર્ડમાં છેડછાડ ક્યાંથી થઈ અને કોણે કરી તે તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત આ કાંડમાં અન્ય કોઈ વ્યક્તિ જોડાયેલો છે કે નહીં એ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

