ક્રુડ ઓઈલની કિંમતો નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. રશિયા અને યુક્રેન સંકટ વચ્ચે માગ અને સપ્લાઈમાં વધતા અંતરના કારણે કિંમતોમાં ઉછાળો જોવા મળ્યો છે. યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધના પગલે ક્રુડ ઓઈલની કિંમતો 120 ડોલર પ્રતિ બેરલના સ્તરે પહોંચી ગઈ છે. જે 9 વર્ષના સૌથી ઉંચા સ્તર ઉપર છે. ક્રુડ ઓઈલની કિંમતોમાં આવેલા ઉછાળા પગલે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારો થવાની આશંકા પણ સેવાઈ રહી છે.

મે કોન્ટ્રાક્ટ માટે લેવામાં આવેલા બ્રેંટ ક્રુડનો ભાવ આજે વધીને 119.84 પ્રતિ બેરલના સ્તરે પહોંચી ગયો છે. આ પહેલાના સત્રમાં બ્રેંટ 112.93 ડોલર પ્રતિ બેરલ ઉપર બંધ થયો હતો. આજના સત્રમાં બ્રેંટ ક્રુડ આશરે 7 ડોલર પ્રતિ બેરલ મોંઘું થયું છે. તો એપ્રીલ કોન્ટ્રાક્ટ માટેના ડબલ્યુઆઈ ક્રુડ 115 ડોલર પ્રતિ બેરલને પાર થયું હતું. એક મહિના પહેલા બ્રેંટ ક્રુડ 91 ડોલર પ્રતિ બેરલના સ્તર ઉપર હતું. તો યુદ્ધ શરૂ થતા પહેલા ક્રુડ ઓઈલમાં 95 ડોલર પ્રતિ બેરલના સ્તર ઉપર રહ્યું હતું. એટલે કે યુદ્ધની શરૂઆતની સાથે જ ક્રુડ ઓઈલની કિંમતોમાં આશરે 25 ડોલર પ્રતિ બેરલનો વધારો જોવા મળી ચુક્યો છે.

કિંમતોમાં વધારો થવાનું મુખ્ય કારણ ક્રુડ ઓઈલની સપ્લાઈ માગ કરતા ઓછી હોવાના કારણે જોવા મળી રહી છે. રશિયા યુક્રેન સંકટ અને રશિયા ઉપર લગાવવામાં આવેલા પ્રતિબંધોના કારણે બજારમાં ક્રુડ ઓઈલના સપ્લાઈ ઉપર પણ અસર જોવા મળી રહી છે. તો આઈઈએ દેશો દ્વારા પોતાના રિઝર્વમાંથી 6 કરોડ બેરલ ક્રુડ ઓઈલ આપવાનો નિર્ણય કર્યો છે જો કે બજારના અનુમાનો કરતા ઓછો રહ્યો છે. તો ઉત્પાદન વધારવાને લઈને ઓપેક પ્લસ દેશો તરફથી કોઈ સકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો નથી. જેના કારણે સપ્લાઈ ઉપર ખરાબ અસર પડવાની સંભાવના વધી છે અને તેના જ કારણે કિંમતોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.

તો બીજી તરફ એક આશંકા એવી પણ દેખાઈ રહી છે કે, ડોમેસ્ટિક બજારમાં મળતા પેટ્રોલીયમ પેદાશોમાં આગામી સપ્તાહથી ભાવ વધારો થશે. એક મીડિયા રિપોર્ટના જણાવ્યા પ્રમાણે ક્રુડ ઓઈલના ભાવો 100 ડોલર પ્રતિ બેરલની નજીક પહોંચતાની સાથે જ તેલ કંપનીઓને મોટુ નુકશાન થઈ રહ્યું છે અને નુકશાનથી બચવા માટે ઓઈલ કંપનીઓ પેટ્રોલ-ડીઝલના ભાવોમાં વધારો પણ કરી શકે છે. ક્રુડ ઓઈલના ભાવો વધતાની સાથે જ સરકારી કંપનીઓ જેવી કે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ અને હિંદુસ્તાન પેટ્રોલિયમને પેટ્રોલ અને ડીઝલ ઉપર પ્રતિ લિટરે રૂપિયા 5.7ની ખોટ ઉઠાવવી પડે છે. ડોમેસ્ટીક બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં 118 દિવસથી કોઈપણ પ્રકારનો ફેરફાર કરાયો નથી.

