ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ નબડી પડી રહી છે. એવામાં ફરી કોંગ્રેસના નેતાએ ભાજપનો કેસરિયો ધારણ કરી લીધો હતો. જૂના જોગી કહેવાતા લોકો હવે કોંગ્રેસ છોડી ભાજપનો કેસ ધારણ કરી રહ્યા છે. અમદાવાદ પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્મા પણ ભાજપમાં જોડાવવા માટે વાજતે ગાજતે કમલમ પહોંચ્યા હતા. અમદાવાદ પૂર્વના વિપક્ષ નેતા દિનેશ શર્મા પણ ભાજપમાં જોડાવવા 100થી વધુ ગાડી તથા 500 જેટલા બાઈક્સ પર કાર્યકર્તાઓ સાથે પહોંચ્યા હતા.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે દિનેશ શર્માને ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત સાબરકાંઠા કોંગ્રેસ પૂર્વ મહામંત્રી નારણ પટેલને ખેસ પહેરાવી પક્ષમાં સ્વાગત કર્યું છે. મહાનગર અમદાવાદના બાપુનગર, સરસપુર અને રખિયાલ વૉર્ડના યુથ કોંગ્રેસના નેતા પણ ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે આ પ્રસંગે કહ્યું કે, દિનેશભાઈ ચાર જુદા જુદા વૉર્ડમાંથી ચૂંટાયા છે. એમની સાથે 2000થી વધારે કાર્યકર્તાઓ જોડાયા છે. કોંગ્રેસ ઉપ પ્રમુખ રાહુલ ગાંધી ગુજરાતમાં હતા. જે જાય એને જવા દો અને ભાજપમાં જનારાને કૌરવો ગણાવ્યા હતા. એમને નેતાઓ તથા આગેવાનોમાં વિશ્વાસ નથી. એમને કુલ 25 કાર્યકર્તાઓની જરૂર છે. એવું લાગે છે કે, કાર્યકર્તાઓની પણ અછત છે. દિનેશ શર્માએ કહ્યું કે, ભાજપમાં જોડાવવાનો મને આનંદ તથા ગર્વ છે. એ પાર્ટીના સારથી વડાપ્રધાન મોદી છે. જેમાં કુશળ રણનીતિકાર અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અર્જુન સમાન પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ છે. આ પાર્ટી અશક્યને શક્ય કરી બતાવે છે.

રામ મંદિર, સમાન અધિકાર અને 370 કલમ દૂર કરી કામ કર્યાનું બતાવી દીધું છે. આ એ પક્ષ છે જે કાર્યકર્તાઓને ધમકાવતો નથી. સાથે ઊભો રહે છે. આ પાર્ટી સિસ્ટમથી ચાલે છે. કોંગ્રેસમાં કોઈ સિસ્ટમ નથી. કેટલાક નેતા અને મળતીયાઓ ACમાં બેસીને કામ કરે છે. બસ એમના હિતમાં જ નિર્ણય લેવાય છે. રાહુલ ગાંધીને 25 જેટલા કાર્યકર્તાઓ જોઈએ છે. એ ભૂકંપ લાવી દેશે. પણ ભૂકંપ આવે તે વિસર્જન થાય એમ છે. જેથી હવે કોંગ્રેસનું વિસર્જન થશે. કોંગ્રેસમાં નિર્ણય છેલ્લા કેટલાક સમયથી ચોક્કસ લોકો માટે લેવાયા છે. પક્ષમાં રહીને સમય વેડફવું યોગ્ય નથી. પ્રજાહિતના કામ કરવા પક્ષમાં આવ્યો છું. કોઈ અપેક્ષા સાથે નહીં. પાંચ પાંડવોની પાર્ટીમાં જોડાયો છું. પાંડવોએ જે રીતે કૌરવોને હરાવ્યા. ભાજપ પરિવારમાં એક પરિવારના સભ્ય તરીકે જોડાયો છું. બાપુનગર વિધાનસભાની ટિકિટ ન મળી એમાં હિમતસિંહ પટેલ મારી પાછળ નથી. મોવડી મંડળે જ નિર્ણય લીધી હશે. મારા સાથી કાઉન્સિલરોને ભાજપમાં જોડવા મામલે સમય એલાન કરી દઈશ. કોંગ્રેસના કાઉન્સિલરોને ભાજપમાંલા જોડવા હવે નિર્ણય લઈશું.
એક વર્ષ પહેલાં અમદાવાદ કોર્પોરેશનના વિપક્ષના પદેથી દિનેશ શર્માએ રાજીનામું આપી દીધું હતું. એ સમયે તેમણે કહ્યું હતું કે મેં પાર્ટીના હિતમાં સ્વૈચ્છિક રાજીનામું આપી દીધું છે. કોઈના કહેવાથી રાજીનામું આપવા માટે હું બંધાયેલો નથી. પાર્ટી હાઈકમાન્ડે મને નેતા બનાવ્યો હતો. એના કહેવાથી હું રાજીનામું આપું શકું છું. જેથી મેં આ રાજીનામું આપ્યું છે. કોઈના દબાણમાં આવીને આવું કર્યું નથી. હકીકત એવી પણ છે કે, દિનેશ શર્મા કોંગ્રેસની કાર્યશૈલીથી નારાજ હતા. તા.21 ફેબ્રુઆરીએ પ્રિયંકા ગાંધીને ટેગ કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. ગુજરાત કોંગ્રેસમાં આંતરિક રોષ અને વૈચારિક ડખા સપાટી પર આવી રહ્યા છે. ભાજપમાં આવતા પહેલા કહ્યું હતું કે, હું કોંગ્રેસની જવાબદારીમાંથી મુક્ત થાવ છું. છેલ્લાં ઘણાં સમયથી હું કોંગ્રેસની કાર્ય પ્રણાલીથી અને નિર્ણાયક શક્તિના અભાવે થઈ રહેલા રાજકીય નુકસાનથી પરેશાન હતો. હવે સ્વમાનના ભોગે એ કંઈ સહન કરી શકું તેમ નથી. પક્ષને હું અનેકવાર કુંભકર્ણ નિંદ્રામાંથી જગાડવા અને પક્ષના સંગઠનને મજબૂત કરવા અનેક એવા મુદ્દાઓ પર સકારાત્મક સૂચનો કરતો આવ્યો છું. છતાં પણ પરિણામ શૂન્ય જ રહેતા આજે છેલ્લા વિકલ્પ તરીકે કોંગ્રેસ પક્ષને અલવિદા કહેવું જ યોગ્ય માનીને નવી દિશા અને માર્ગે આગળ વધી રહ્યો છું.

