ગિરના સિંહો ઠેક અમદાવાદ સુધી પહોંચી ગયા હોવાની વાતો સામે આવી હતી. ત્યારે હવે ભાલ પંથકમાં સિંહો જોવા મળ્યાં છે. ભાલ પંથકના જસવંતપપુર ગામ પાસે સિંહ જોવા ગયેલા યુવાનો પૈકી એક ઉપર સિંહ હુમલો કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે.

ભાલ પંથકના જસવંતપુર ગામની સીમમાં શુક્રવારે સાંજના સમયે રાજગઢ ગામના ખોડુભા ઈન્દુભા નામનો વ્યક્તિ ગાડીની બિલ્ટી માટે આવ્યો હતો. ત્યારબાદ નિરમા કંપનીના પમ્પીગ સ્ટેશન પાસેના પોઈન્ટમાં રહેલા ચોકીદાર સાથે ત્યાં લટાર મારવા આવેલા સિંહોને જોવા માટે ગયા હતાં. તેમજ સિંહોનો વીડિયો પણ ઉતારતા હતા. ત્યારે વીડિયો ઉતારી રહેલા ખોડુભા નામના યુવાન ઉપર વનરાજે હુમલો કરીને ઈજા પહોંચાડી હતી. ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડાયા છે.

આ બનાવીન જાણ વનવિભાગના કર્મચારીઓને કરવામાં આવતા કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. વનવિભાગના સ્ટાફે સિંહના પગલાના આધારે તેની તપાસ હાથ ધરી છે. થોડા દિવસ પહેલા પણ વલ્લભીપુર વિસ્તારમાં જોવા મળેલા સિંહે જ આ હુમલો કર્યો હોવાનું વનવિભાગે અધિકારીએ જણાવ્યું છે. તેમજ આ જો ગેરકાયદે રીતે સિંહની પજવણી કરાઈ હશે તો કાર્યવાહી કરાશે.

