મોરબીમાંથી આગની મોટી ઘટના સામે આવ્યા બાદ અમદાવાદમાંથી મોટી ઘટના સામે આવી છે. મંગળવારે રાતે સાડા આઠ વાગ્યા આસપાસ અચાનક પેટ્રોલ પંપ પાસે આગ ભભૂકી ઊઠી હતી. જેના કારણે મોટું નુકસાન થયું હતું. ગણતરીની સેકન્ડમાં આગે મોટું રૂપ ધારણ કરી લીધું હતું. પેટ્રોપ પંપના કર્મચારીઓએ આગને ઠારવા માટે ભારે જહેમત કરવી પડી હતી. પણ આગને કારણે ટેન્કરમાં મોટો બ્લાસ્ટ થયો હતો.
અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા ઈન્ડિય ઓઈલના પંપ પાસે આ ઘટના બની હતી. જ્યાં અચાનક આગ લાગતા ટેન્કરમાં બ્લાસ્ટ થયો હતો. ટેન્કરમાં બ્લાસ્ટ થતા મોટો અવાજ આવ્યો હતો. ગણતરીની સેકન્ડમાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું. સમગ્ર ઘટનાની જાણ અમદાવાદ ફાયર વિભાગને થતા પાંચથી વધારે ફાયર ફાઈટર્સ આવી પહોંચ્યા હતા. ફાયરના અધિકારીઓએ તથા પેટ્રોલપંપના કર્મચારીઓએ આગ ઠારવા માટે પ્રયાસ કર્યા હતા. જોકે, આગને ગણતરીની મિનિટમાં કાબુમાં કરી લેવામાં આવી હતી. રાહતની વાત એ છે કે, આ ઘટનામાં કોઈ પ્રકારની જાનહાનિ થઈ નથી. એવું ફાયર વિભાગના સુત્રોમાંથી જાણવા મળ્યું છે. જમાલપુર વિસ્તારમાં પેટ્રોલ ટેન્ક પેટ્રોલની ડિલેવરી કરવા માટે આવ્યું હતું. જોકે, ટેન્કર ઊભું હતું ત્યારે રોડ તરફથી પેટ્રોલ પંપથી થોડે દૂર અચાનક એક સ્પાર્ક થતા આગ લાગી ગઈ હતી. થોડી વારમાં આગ પેટ્રોલ પંપ સુધી વિસ્તરાઈ ગઈ. ત્યાં હાજર રહેલા લોકોએ ફાયર સેફ્ટિના સાધનનો ઉપયોગ કરીને આગને કાબુમાં લેવા માટે પ્રયાસ કર્યા હતા. જોકે, અથાગ મહેનત બાદ પણ આગ કાબુમાં ન આવતા પ્રયાસ વ્યર્થ ગયા.
આગ ટેન્કર સુધી પહોંચી જતા અચાનક બ્લાસ્ટ થયો હતો. જેના કારણે ટેન્કર આખું ફાટી ગયું હતું. બ્લાસ્ટ થતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. લોકો પણ આસપાસમાંથી જોવા લાગ્યા હતા. આગની જાણ થતા જ જમાલપુર ફાયરની બે ગાડી યુદ્ધના ધોરણે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પાણીનો સતત મારો ચલાવીને આગને કાબુમાં કરી લેવામાં આવી હતી. જોકે, આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવતા ગંભીરતા સમજી શકાય છે. આ સમગ્ર ઘટના નજીકમાં રહેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.

