અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં આવેલું જહાજ વિવાદોના વમળમાં ફસાયું છે. જામનગર કસ્ટમની ટુકડી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. એમ.જી. કેપ્ટન જેમ્સ કૂક જહાજ 12મી ફેબ્રુઆરીએ અલંગના પ્લોટ નંબર 108માં લવાયું હતું. ત્યારે આ બંધ જહાજને ખેંચીને લાવેલી સોફિયા નામની ટગબોટ દીવ નજીકથી એકાએક ગુમ થઈ જતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

અલંગના પ્લોટ નંબર 108માં લાવવામાં આવેલા જહાજને નિયમાનુસાર કસ્ટમ દ્વારા બોર્ડિંગ અને જીપીસીબી દ્વારા ડેસ્ક રિવ્યું કરાયું હતું. જેમાં અધિકારીઓને કોઈ પણ જાતની ક્ષતિઓ દસ્તાવેજોમાં અથવા જહાજમાંથી મળી આવી હતી નહીં. જામનગર કસ્ટમના પ્રિવેન્ટ ટુકડીને મળેલી બાતમીના આધારે ભાવનગર આવી તપાસ કરતા જહાજમાંથી અનેક પ્રકારની ક્ષતિઓ સપાટીઓ ઉપર આવી હતી.

બંધ જહાજ કેપ્ટન જેમ્સ કૂકને ટગ સોફિયા ખેંચીને લાવી હતી. પરંતુ એકાએક સોફિયા નામની ટગબોટ દીવ નજીકથી ગુમ થઈ જતા શંકાના વમળો ઉભા થયા હતાં. તેમજ 2017થી રાતા સમુદ્રમાં કેપ્ટન જેમ્સ કુક જહાજ નધણિયાત હાલતમાં પડ્યું હતું. જામનગર કસ્ટમ ટુકડીના તપાસનીસ અધિકારીઓએ આ જહાજમાં અંતિમ પોર્ટનું પોર્ટ ક્લીયરન્સ સર્ટિફિકેટ પણ નહીં હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

