રાજકોટ શહેરની યુવતીઓ, મહિલાઓની સુરક્ષા જેના શિરે છે તેવા પોલીસ તંત્રમાં જ ઘર ફૂટે ઘર જાય તેવો ઘાટ જોવા મળ્યો છે. પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી મહિલાને તેની સાથે જ ફરજ બજાવતા કોન્સ્ટેબલે જાતીય સતામણી કરી હોવાનો કિસ્સો રાજકોટ પોલીસમાંથી સામે આવ્યો છે. જેના કારણે પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. પોલીસ કોન્સ્ટેબલે જ બદનામ કરવાની ધમકી આપતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે.
રાજકોટ સિટીના એ ડિવિઝન પોલીસમથકના PIસી.જી.જોશીએ જણાવ્યું કે, ગત મંગળવારે રામનાથપરા પોલીસ લાઇનમાં રહેતા અને ટ્રાફિક પોલીસ તરીકે ફરજ બજાવતા કોન્સ્ટેબલ રાશિદ બસીર શેખના ક્વાર્ટરમાંથી ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ રહસ્યમય રીતે બેભાન હાલતમાં મળી આવી હતી. આ કેસમાં પોલીસને આશંકા છે. સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાઇ હતી. અગાઉ ભાવનગરની યુવતીને ભગાડવાના બનાવમાં અગાઉ કોન્સ.રાશિદ સંડોવાયો હોવાથી તેને મહિલા કોન્સ્ટેબલને ગળાટૂંપો આપ્યો કે આપઘાતનો પ્રયાસ કર્યો તે અંગે પોલીસ લાઇનમાં ચર્ચાઓ છે. મહિલા કોન્સ્ટેબલના જણાવ્યા અનુસાર તે અને રાશિદ ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા હોવાથી બંને વચ્ચે પરિચય હતો. રાશિદે કચેરીમાંથી જ મોબાઇલ નંબર મેળવ્યા હતા. બાદમાં તે અવારનવાર પોતાને રિંગ કરી તેની સાથે વાત કરવા પ્રેશર હતો. એટલું જ નહીં રોલકોલમાં પણ તે વાત કરવાનો પ્રયાસ કરતો હતો. એક વખત રાશિદે પોતાને ઊભી રાખી જો તું મારી સાથે વાત નહિ કરે તો તારા પરિવારને બધી વાત કરી સ્ટાફમાં તેમજ સમાજમાં બદનામ કરી નાંખવાની ધમકી ઉચ્ચારી હતી.
આ ઉપરાંત મારી નાંખવાની અને ચારિત્રહીનતાનું આળ મૂકી બદનામ કરી નાંખવાની ધમકી આપી હતી. બે દિવસ પહેલા બનેલા આ બનાવની ટ્રાફિક એસીપીને જાણ થતા કોન્સ્ટેબલ રાશિદ શેખની ટ્રાફિક શાખામાંથી હેડ ક્વાર્ટરમાં બદલી કરી દેવાઇ હતી. મહિલા કોન્સ્ટેબલના નિવેદન બાદ કોન્સ્ટેબલ રાશિદ શેખ સામે ગુનો નોંધી સકંજામાં લીધો છે.

