મહાનગર અમદાવાદમાં રોડને લઈને થતી લોલમલોલ અનેક વખત સામે આવી છે. જેમાં ગુણવત્તાને લઈને અનેક પ્રશ્નો ઊભા થયા છે. આવો એક કિસ્સો અમદાવાદના વિરાટનગર વિસ્તારમાંથી સામે આવ્યો છે. અમદાવાદ કોર્પોરેશન તરફથી કરવામાં આવતી રોડની કામગીરી અંગે ગુજરાત હાઈકોર્ટ તરફથી પણ અનેક વખત ઝાટકણી કાઢવામાં આવી છે. તેમ છતાં તંત્ર કોઈ રીતે સુધરવાનું નામ લેતું નથી. એવા સમયે હવે વિરાટનગરમાં 24 કલાકમાં જ ડામર ઊખડી જતા ગુણવત્તા સામે પ્રશ્નો ઊભા થયા છે.
વિરાટનગરમાં રોડ રિસરફેસિંગનું કામ કરવામાં આવ્યું હતું. પણ 24 કલાકમાં જ અનેક એવા પોઈન્ટ પરથી ડામર ઊખડી ગયો હતો. 300 મીટરના રસ્તામાં કોન્ટ્રાક્ટર તરફથી રિસરફેસિંગ કરાયું હતું. જેમાં સવારના સમયે જ ડામર ઊખડી ગયો હતો. અહીં માત્ર ડામર નાખવાની કામગીરી કરવામાં આવી હતી. પણ ફિનિશિંગની કામગીરી કરાઈ ન હતી. જેના કારણે રોડ પરનો ડામર ઊખડી ગયો હતો. વાહનચાલકો આ કારણે પરેશાન થયા હતા. અમદાવાદ કોર્પોરેશન સ્થાયી કમિટી ચેરમેનની ગાડીના ટાયરમાં ડામર ચોંટવાના વીડિયો સામે આવેલા છે. લબ્ધી આલ્ફાટેક નામના કોન્ટ્રાક્ટર તરફથી આ માઈક્રો રિસરફેસિંગની કામગીરી કરવામાં આવી રહી હતી. અમદાવાદના સોશિયલ મીડિયામાં ડામર ઊખડી ગયાનો વીડિયો વાયરલ થયો હતો. આ ઘટના સામે આવતા સ્થાયી કમિટી ચેરમેન હિતેશ બારોટ તાત્કાલિક સ્થળ પર હાજર થયા હતા.

રોડની ગુણવત્તા અંગે ચકાસણી કરી હતી. આ કેસમાં સ્થાયી કમિટી ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું કે, માઈક્રો રિસરફેસિંગની કામગીરી 300 મીટરના રોડ પર થઈ છે. પણ કેટલીક જગ્યા વધારે પડતા ખાડા છે. તેથી એમાં ડામર વધારે નાંખવામાં આવ્યો છે. જ્યારે વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. જ્યારે તેમણે રોડ પર ચાલવાનું શરૂ કર્યું ત્યારે એના બુટમાં ડામર ચોંટી ગયો હતો. તેમણે પણ સમગ્ર કામગીરી પર પ્રશ્નો ઊભા કર્યા છે. આ વિષય પર તેમણે આક્ષેપ કરતા કહ્યું કે, ભાજપના રાજમાં વિકાસ હવે પડવા લાગ્યો છે.
રોડના કામમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે. કોંગ્રેસ તરફથી માંગ કરવામાં આવી રહી છે કે, કોન્ટ્રાક્ટર તથા અધિકારીઓ સામે પગલાં લેવામાં આવે. જોકે, આવું અમદાવાદમાં પહેલી વખત બન્યું નથી. ચોમાસાની સીઝન બાદ ક્યા રોડ પર કેવી કામગીરી થાય છે એનું ચિત્ર સામે આવે છે. ખાસ કરીને હાઈવને જોડતા રસ્તા અને જુદી જુદી સોસાયટીઓમાંથી જતા રસ્તાઓની અનેક એવી લોલમલોલ સામે આવી રહી છે. એ વાત નક્કી છે કે, હવે પછીની અમદાવાદ કોર્પોરેશનની સામાન્ય સભામાં રોડનો મુદ્દો મોટી રીતે પડઘાશે. વિપક્ષ આ મામલે લડી લેવાના મૂડમાં ઊતરશે.

