ગુજરાત રાજ્યમાં કોંગ્રેસની કામગીરી અને નેતાઓની નિષ્ક્રિયતાને કારણે કોંગ્રેસ નેતાઓ પક્ષ છોડીને બીજા પક્ષમાં જઈ રહ્યા છે. જેમાં હવે કોંગ્રેસના સ્પષ્ટ વક્તા અને પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમારે કોંગ્રેસ છોડવાનો નિર્ણય કરતા રાજકીય ખળભળાટ મચી ગયો છે. જયરાજસિંહે મીડિયા સામે પક્ષ છોડવા માટેનો નિર્ણય જાહેર કર્યો છે. આવનારા દિવસોમાં તે ભાજપનો ખેસ પહેેરે તો નવાઈ નહીં. જયરાજસિંહે જણાવ્યું હતું કે, મહિનાઓથી જાણ તો કરી હતી પણ ખબર છે ને કે કોંગ્રેસમાં કેવું ચાલે છે? આટલી શક્તિથી લડીએ તો પણ બધા એના એ જ. કોઈ બીજાને ગોઠવાવા દેતા નથી. અહીં હારેલા નેતાઓ જ બધા નિર્ણય કરે છે. ઉપેક્ષા તાકાતવાળા લોકોની થાય છે. મારાથી કોઈ આગળ નીકળી જશે એવો માનસિક ભય છે. એટલે હવે કંટાળ્યા છીએ. હવે પાર્ટી છોડી દઈશું.
ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષપલટાની મૌસમ શરૂ થઈ હોય એવું લાગી રહ્યું છે. જેમાં સત્તાધારી પક્ષમાં જોડાવવા માટે વિપક્ષ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નારાજ નેતાઓનો આખો વર્ગ ઊભો થઈ રહ્યો છે. કોંગ્રેસના પ્રવક્તા અને ઉત્તર ગુજરાતના નેતા જયરાજસિંહે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે મુલાકાત કરી હોવાની ચર્ચા હતી. મહેસાણા જિલ્લાના 200થી વધારે કોંગ્રેસ આગેવાન બપોરના સમયે ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ પાટીલના હસ્તે ખેસ પહેરવાના છે. મહેસાણા કોંગ્રેસના મોટા અને સિનિયર નેતાના પક્ષ પલટાને લઈને જયરાજસિંહ પરમારે એક ટ્વિટ કરી હતી. જેનાથી રાજકીય ગરમાવો આવી ગયો છે. તેમણે એવું ટ્વિટ કરીને કહ્યું કે, મહેસાણાથી મા બહુચરના આશીર્વાદથી શરૂઆત થશે. તેમણે એક શાયરી પણ ટ્વિટ કરી હતી. કિસ કો ફિક્ર હૈ કી કબિલે કા ક્યા હોગા, સબ ઈસ બાત પર લડતે હૈ કી સરદાર કા ક્યા હોગા. બીજી એક ટ્વિટમાં એવું પણ પોસ્ટ કર્યું કે, કોંગ્રેસ હંમેશા સંસદ અને ધારાસભ્યો કેન્દ્રી પક્ષ રહ્યો છે. કોંગ્રેસ પક્ષમાં સંગઠનના લોકોને ક્યાંય સ્થાન નથી હોતું પછી સંગઠનનું મહત્ત્વ ક્યાંથી વધે? જોકે, એમના આ ટ્વિટથી રાજકીય ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ એક બળાપાથી ભરેલી ટ્વિટ છે. આ પહેલા પણ તેમણે આ રીતે ટ્વિટ કરીને વિરોધ વ્યક્ત કરેલો છે. આ પહેલા તેમણે એક હિન્દીમાં ટ્વિટ કરીને લખ્યું છે. વર્ષ 2019ની પેટાચૂંટણીના ધમધમાટ વચ્ચે ખેરાલુ બેઠકના પ્રબળ દાવેદાર હોવા છતાં પણ ટિકિટ કપાઈ જતા તેઓ નારાજ થયા હતા.
આ નારાજગી અહીં અસર કરી ગઈ હોવાનું રાજકીય નિષ્ણાંતો માની રહ્યા છે. જોકે, આવી રાજનીતિથી થાકીને તેમણે નારાજગી વ્યક્ત કરી હતી. રાજકારણમાં આરામ લેવાનો સમય આવી ગયો હોવાનો મુદ્દો સોશિયલ મીડિયાથી વ્યક્ત કરેલો છે. જોકે, ટિકિટના મુદ્દા બાદ પણ તેઓ કોંગ્રેસના રાજકારણમાં સક્રિય રહ્યા હતા.


