આ વર્ષના અંતે યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા માટે ગુજરાત કોંગ્રેસે રણનીતિ ઘડી કાઢી છે. આ માટેની અમલવારી પણ યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. ચૂંટણીની આ તૈયારીઓને ધ્યાને લઈ નિરિક્ષકોની નિમણૂંક કરવામાં આવી છે. કોંગ્રેસ પક્ષે મોટાકદના કહેવાતા નેતાઓને જવાબદારી સોંપી છે. એક લોકસભા બેઠક દીઠ બે નિરિક્ષકોને પસંદ કરવામાં આવ્યા છે. કોંગ્રેસના પીઢ ગણાતા નેતાઓ ફરીથી મેદાનમાં જોવા મળશે. આ માટે જવાબદારી નક્કી થઈ ચૂકી છે.
કોંગ્રેસની રણનીતિ અનુસાર જો કોંગ્રેસના સુત્રોનું માનવામાં આવે તો શહેરી વિસ્તારની 50 બેઠકના ઉમેદવાર પહેલા કોંગ્રેસ નક્કી કરશે. નક્કી કરેલા 50 ઉમેદવાર ચૂંટણ લડવા માટે તૈયાર છે કે નહીં એ પહેલાથી જાણ કરાશે. લાંબા સમયથી કોંગ્રેસ જે બેઠક હારે છે એ બેઠક પર ઉમેદવાર પહેલા જશે. ખાસ કરીને મહાનગર પાલિકા અને નગર પાલિકા પર ખાસ ફોક્સ કરાશે. જેમાં યુવા નવા ચહેરા અને મહિલા નેતાઓને પ્રાધાન્ય અપાશે. તા.5 માર્ચ સુધી કોંગ્રેસ જનસંપર્ક અભિયાન અને સભ્ય નોંઘણી મહાઅભિયાન શરૂ કરશે. તા.14થી 24 દરમિયાન ગ્રામ્ય વિસ્તાર માટે, તા.25થી 5મી માર્ચ સુધી શહેરી વિસ્તારમાં આ અભિયાન શરૂ થશે.
જેને સફળ બનાવવા માટે ગુજરાત કોંગ્રેસના 250 આગેવાનો દરરોડ સમગ્ર ગુજરાતનો પ્રવાસ ખેડશે. આ પ્રવાસની શરૂઆત રાહુલ ગાંધી કરવાના છે. દ્વારકામાં તેઓ મુલાકાત લઈને ફરી ગુજરાત પ્રવાસ કરશે. તાલુકા જિલ્લા પંચાયતની બેઠક પર સભ્ય નોંઘણી શરૂ થશે. તા.14થી 24 તારીખ વચ્ચે પહેલા તબક્કામાં ગ્રામિણ વિસ્તારમાં પેજ પ્રભારી બનાવાશે. તા.25થી 5 માર્ચ સુધી બીજા તબક્કામાં શહેરમાં બુથ પ્રમાણે પેજ પ્રભારી બનાવાશે. આ ઝુંબેશ સાથે પ્રજાના પ્રશ્નો જેમ કે, પેપર ફૂટી જવા, જમીન, પાણી, માપણી, કોરોના મુદ્દે વળતર મામલે લોકોનો સંપર્ક કરી અભિયાન શરૂ કરાશે.

કોંગ્રેસ જુદા જુદા કાર્યક્રમો કરીને રસ્તા પર ઊતરશે. વિધાનસભા માટે પણ યોજના ઘડાઈ ચૂકી છે. CJ ચાવડાને વિધાનસભામાં વિપક્ષના દંડક તરીકે નિમાયા છે. જ્યારે લલિત વસોયાની ઉપદંડક તરીકે નિયુક્તિ કરાઈ છે. જ્યારે શૈલેષ પરમારને વિપક્ષના ઉપનેતા પદે યથાવત રાખવામાં આવ્યા છે. વિરજી ઠુમ્મર, પૂંજા વંશ અશ્વિન કોટવાલ, ગ્યાસુદ્દિન શેખ, કિરીટ પટેલ, અમરીશ ડેર, બળદેવ ઠાકોરને પ્રવક્તા તરીકે નિમાયા છે.


