તા.12 અને 13 ફેબ્રુઆરીના રોજ IPLની આગામી સીઝનની હરાજી શરૂ થવાની છે. આ વખતેના મેગા ઑક્શનમાં 590 ખેલાડીઓ પર બોલી લાગવાની છે. બે નવી ટીમ લખનૌ અને અમદાવાદ આવતા આ વખતેનું ઑક્શન રસપ્રદ બની રહેશે. આ ઑક્શનમાં સાઉથ આફ્રિકાના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ ઉપર પણ ટીમની ખાસ નજર છે. છેલ્લા ઘણા વર્ષથી તે ચેન્નઈ સુપરકિંગ્સ તરફથી રમી રહ્યો છે.
વર્ષ 2021માં વિજેતા થયેલી ટીમ ચેન્નઈ સુપરકિંગ્સમાં આ ખેલાડીની મોટી ભૂમિકા રહી છે. જે ગત સીઝનનો સૌથી વધારે રન બનાવનાર ખેલાડી પણ રહ્યો હતો. હવે ભારતીય ક્રિકેટ ટીમના ઓફ સ્પીનર રવિચંદ્રન અશ્વિને ફાફ ડુ પ્લેસિસને લઈને મહત્ત્વની વાત કહી છે. અશ્વિન એવું માને છે કે, આ વખતેના ઑક્શનમાં ડુપ્લેસિસને ખરીદવો આસાન નહી રહે. આ ખેલાડી માટે એક રેસ લાગી શકે એમ છે. 590 ખેલાડીઓની યાદીમાં અશ્વિન પણ છે. પોતાની યુટ્યુબ ચેનલ પરથી તેમણે કહ્યું કે, ગત સીઝનમાં આ ખેલાડી 1.5 કરોડમાં ખરીદાયો હતો. પણ આ વખતે એની સાથે આવું નહીં થાય એવું મને દેખાઈ રહ્યું છે. ચેન્નઈ સુપરકિંગ્સના ચાહકો નિશ્ચિત છે કે, પોતાના ફેવરિટ ક્રિકેટર તરીકે એને પસંદ કરે. જો આ વખતે ચેન્નઈની ટીમ એને ખરીદવા માગે છે તો તેણે વધારે પૈસા ખર્ચ કરવા પડશે. મારૂં એવું માનવું છે કે, ડુપ્લેસિસ ઘણો મોંઘો ખેલાડી સાબિત થશે. મોટાભાગની ટીમ આ ખેલાડી માટે પહેલા બોલી લગાવશે. ઑક્શન પહેલા રવીન્દ્ર જાડેજા, મહેન્દ્રસિંહ ધોની, મોઈન અલી અને ઋતુરાજ ગાયકવાડને ટીમમાં યથાવત રાખવામાં આવ્યા હતા. આ પહેલા પણ અશ્વિને સ્વીકાર્યું હતું કે,તે ચેન્નઈની ટીમમાંથી રમવા માગે છે. પણ મોઈન અલી ટીમમાં છે એટલે સ્થિતિ થોડી મુશ્કેલી ભરી રહેવાની છે.

અશ્વિને ઉમેર્યું કે, મારૂ હાલ તો કંઈ નક્કી નથી. પણ ઈમાનદારીથી કહું તો એક ખેલાડી 100 ટકા પોતાનું બેસ્ટ આપવા માટે પ્રયાસ કરતો રહે છે. જ્યાંથી મેં શરૂઆત કરી હતી ત્યાંથી પરત આવવું સરળ રહેશે. પણ ચેન્નઈની ટીમ પાસે ઓલરેડી ઓફ સ્પીનર તરીકે મોઈન અલી ખેલાડી છે. એટલે હવે ટીમ શું કરશે એ મને પણ ખ્યાલ નથી. એટલે થોડો સમય રાહ જોઈએ અને જોઈએ કે શું પરિણામ આવે છે.

