ભાવનગરના રાણપુર તાલુકાના ચંદરવા ગામે લગ્નના વરઘોડામાં વરરાજાએ ફાયરિંગ કર્યાનો વીડિયો વાઈરલ થયો હતો. જો કે આ ઘટનાબાદ પોલીસ હરકતામાં આવી અને તુરંત જ એક આરોપીને ઝડપી લીધો હતો.

રાણપુર તાલુકાના ચંદરવા ગામે ગત તા. 25-1ના રોજ રાત્રે 9 કલાકે ઘનશ્યામ કણઝારીયાના ઘરે પુત્રના લગ્નનો વરઘોડો યોજાયો હતો. જેમાં વરઘોડામાં વરરાજાએ ઘોડા ઉપર બેસીને પાક રક્ષણ કરવા માટે મેળવેલા હથિયારમાંથી ફાયરિંગ કર્યું હતું અને પોતાનો શોખ પુરો કર્યો હતો. તો બીજીતરફ શોખ અને મોભા ખાતર સમાજમાં ભય ફેલાવવા માટે વીડિયો બનાવીને સોશયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો.

આ વીડિયો રાણપુર પોલીસને ધ્યાને આવતા આ અંગે તપાસ હાથ ધરીને આકાશ કનકભાઈ કણઝારીયાને ઝડપી લીધો હતો. તેમજ હથિયાર કબ્જે કરીને હથિયાર રાખનાર દિપસંગ કેશુભાઈ પરમાર નામના શખ્સ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

