રાજકોટ શહેરના જામનગર રોડ પર ડાંગર કૉલેજની પાછળના વિસ્તારમાં આવાસ યોજનાના ક્વાર્ટર આવેલા છે. જ્યાં શુક્રવારે સવારે ગેસનો બાટલો લીક થતા ભીષણ આગ લાગી હતી. જેના કારણે સ્થાનિકોમાં થોડા સમય માટે દોડધામ મચી ગઈ હતી. આ ઘટનામાં એક દંપતિ ગંભીર રીતે દાઝી ગયું હતું. તેથી સારવાર માટે બંનેને યુદ્ધના ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પત્નીનું નામ મધુબેન દિનેશભાઈ પરમાર (ઉ.વ.50) અને પતિનું નામ દિનેશ પરમાર હોવાનું જાણવા મળ્યું છે.

આ કેસમાં મહિલા 90 ટકા દાઝી જતા એની સ્થિતિ અત્યારે ગંભીર છે. દિનેશભાઈએ કહ્યું કે, જ્યારે હું સૂતો હતો ત્યારે અચાનક ધડાકો થયો હતો. મારી પત્ની સળગેલી સ્થિતિમાં રૂમની અંદર અને બહાર આવ-જા કરતી હતી, ઘરની તમામ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ છે. સવારે જ્યારે મઘુબેન ઊઠ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે, બાટલો લીક થયો છે. તેઓ આગની ઝપેટમાં આવી ગયા હતા. 90 ટકા શરીર દાઝી ગયું છે. એટલે સ્થિતિ હાલમાં એમની ગંભીર છે. ગેસ ઘરમાં પ્રસરી ગયો હતો અને લાઈટની સ્વિચ ચાલું કરતા વિકરાળ આગ લાગી ગઈ હતી. પત્નીની ચીસથી રૂમમાં સુતેલા પતિ દિનેશભાઈ જાગી ગયા અને આગ ઠારવા માટે પ્રયાસ કર્યા હતા. દિનેશભાઈ પણ હાથમાં દાઝી ગયા હતા. આવી ભીષણ આગથી આસપાસના લોકોમાં ભય ફેલાયો છે. પ્રચંડ બ્લાસ્ટને કારણે બારી દરવાજા પણ તૂટી ગયા હતા. ઘરમાં એક વસ્તુ બચી નથી. બધુ બળીને ખાખ થઈ ગયું હતું. દિનેશભાઈના હાથના ભાગની ચામડી ઉખડી ગઈ હતી. જ્યારે પત્નીના વાળ સહિત 90 ટકા શરીર દાઝી ગયું હતું.

બે મહિના પહેલા જ દંપતિ અહીં રહેવા માટે આવ્યું હતું. નજીકમાં રહેતા સ્થાનિક દિનેશભાઈએ જણાવ્યું કે, જ્યારે હું વિદ્યાર્થિનીઓને કૉલેજ મૂકવા માટે જતો હતો ત્યારે અચાનક મોટો ધડાકો થયો હતો. બાકીના કાચ તૂટી ગયા હતા.ઘરમાંથી ધુમાડાં નીકળતા હતા. આસપાસના લોકોએ કહ્યું કે, મધુબેન સંપૂર્ણ રીતે દાઝી ગયા હતા. પાડોશી ભીમજીભાઈએ કહ્યું કે, સવારે આઠ વાગ્યાનો આ બનાવ છે. લાઈટની સ્વિચ ચાલું કરતા જ આગ લાગી ગઈ હતી. બાટલાનું રેગ્યુલેટર તૂટી ગયું હોવાથી ઘરમાં ગેસ પ્રસર્યો હતો.

