મહાનગર અમદાવાદ શહેરમાં પોલીસ જ સુરક્ષિત નથી તો સામાન્ય માણસની સુરક્ષાની શું વાત કરવી? અમદાવાદ શહેરમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે. જે સાંભળીને કોઈનું પણ શરમથી માથું ઝૂકી જાય તેમ છે. એક બુટલેગર જાહેરમાં પોલીસને બીભત્સ ગાળો આપી દોડાવી દોડાવીને માર્યા હતા. બચાવ માટે ભાગેલી પોલીસને રસ્તા વચ્ચે અટકાવીને લાકડાના ડંડાથી ફટકા મારવામાં આવ્યા હતા. નરોડાના મુઢિયા ગામે આ ઘટના બની હોવાના અહેવાલ છે. જ્યાં પોલીસ પર બુટલેગરોએ જીવલેણ હુમલો કર્યો છે. આ મામલે નરોડા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરેશ નામના પોલીસકર્મી પર નરોડા વિસ્તારમાં એક બુટલેગર હથોડાના ઘા ઝીંકે છે. પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ બુટલેગરે હુમલો કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે બુટલેગર અનિલ અને સંજય સહિત 15 સામે કાયદેસરની ફરિયાદ નોંધી છે. આ ઘટના બાદ નરોડા પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. હજુ સુધી માથાભારે બુટલેગર પોલીસ પકડમાં આવ્યા નથી. નરોડામાં ફરજ બજાવતા પોલીસ કર્મી સુરેશ મુઠીયા ગામ પાસે પ્રોહિબિશન આરોપીને પકડવા ગયા હતા. એ સમયે દારૂના મામલે મુદ્દો ગરમાતા બૂટલેગર અનિલ સોલંકી અને સંજય સોલંકી સહિત કેટલાક લોકોએ બંને પોલીસકર્મીને પકડીને માર માર્યો હતો. લોખંડના હથોડા જેવા હથિયાર વડે પોલીસને માર માર્યો હોવાની માહિતી છે. આ અંગે સોશિયલ મીડિયામાં ફરતા થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે રસ્તા પર દોડતા સમયે પોલીસકર્મી જમીન પર પડી ગયો હતો છતાં તેને માર મારવાનું ચાલુ જ રાખ્યું હતું. પોલીસકર્મીઓ ભાગી રહ્યા હતા ત્યારે પણ તેમને એક્ટિવા પર બેસતા સમયે પણ માર માર્યો હતો.

નરોડા વિસ્તારમાંથી બુટલેગરનો ત્રાસ ફરી સામે આવ્યા છે. આ અંગે સ્થાનિક પણ આ પહેલા ફરિયાદ કરી ચૂક્યા છે. હવે પોલીસે બુટલેગર સાથે મારપીટ કરીને કાયદો હાથમાં લીધો હતો. જોકે, પોલીસ ટુકડી આ તમામ લોકો સામે હવે કાયદેસરની કાર્યવાહી કરશે.

