કોલ્ડવેવના કારણે ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનું જોર વધ્યું છે. ચાલુ અઠવાડિયામાં શુક્રવાર સુધી કોલ્ડ વેવની અસર રહેશે અને લગભગ આખા અઠવાડિયા દરમિયાન ઠંડક અનુભવાશે. મંગળવારથી બે દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો નોંધાશે. અમદાવાદ અને પાટનગર ગાંધીનગર સહિત રાજ્યભરમાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. બીજી બાજુ સૌરાષ્ટ્રના કાંઠાળા વિસ્તારમાં ઠંડુ વાતાવરણ અનુભવાયું છે. વહેલી સવારે સૂકા પવનો અને દિવસ કરતાં રાત વધુ ઠંડી રહી છે.
લઘુત્તમ 4 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું પાટનગર ગાંધીનગર સૌથી ઠંડું શહેર બન્યું છે, આ પછી બીજા નંબરે 5 ડિગ્રી સાથે નલિયાનો ક્રમ આવે છે. જ્યારે અમદાવાદમાં પારો ગગડીને 7 ડિગ્રીએ પહોંચ્યો છે. ભારે ઠંડી રહેવાની આગાહી સાથે હવામાન વિભાગ દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે. સ્થાનિક હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે પણ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, ભરુચ, આણંદ, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં ઠંડીનો આકરો અનુભવ થશે. ત્રણ દિવસ સુધી ઠંડીના જોર સામે રક્ષણ મેળવવાની સાથે સાવચેતી રાખવાની સલાહ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. તા.26 અને 27 તારીખ દરમિયાન ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને કચ્છમાં ઠંડીના ચમકારા સાથે કોલ્ડ વેવની અસર અનુભવાશે.
સતત ઠંડી વધતાં લોકોના જીવન પર અસર થઈ છે. દિવસભર સતત સૂકા પવન ફૂકાતા આખો દિવસ ટોપી અને સ્વેટર પહેરી રાખવાની જરૂર પડી છે. ખાસ તો વહેલી સવારે અને સાંજે રીતસર ધ્રુજી જવાય એવી ઠંડી પડી રહી છે. ખાસ કરીને દરિયા કિનારાથી નજીક આવેલા શહેર તથા વિસ્તારમાં હાડ થીજવતી ઠંડીથી લોકો થથરી ગયા છે. જોકે, ફેબ્રુઆરી મહિનામાં ઠંડીમાં આંશિક ઘટાડો થવાના એંઘાણ છે. પણ ચોક્કસ તાપમાન ક્યારે વધશે એ અંગે હજું કંઈ કહી શકાય એમ નથી. બાકી માર્ચ મહિના સુધી સુકા પવનોનું જોર હેશે. જે ધીમે ધીમે ઘટશે. છેલ્લા ત્રણ દિવસથી ઉત્તર ભારતના પહાડી પ્રદેશમાં થયેલી હિમવર્ષાને કારણે ઠંડીનો આ રાઉન્ડ શરૂ થયો હોવાનું હવામાન નિષ્ણાંતો જણાવે છે.

