જામનગર શહેરના લીમડા લાઇન વિસ્તારમાં રહેતા અને અમેરિકા સ્થિત યુવાન, શહેરમાં જ રહેતી એક યુવતી વચ્ચે પ્રેમ થયો હતો. પછી બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. પણ લગ્ન પ્રસંગે જે થયું એના કારણે બે પરિવારો બાખડી પડ્યા અને યુવતીએ લગ્ન કરવાની ના પાડી દીધી. પરિવારોની સંમતિથી બે દિવસ પહેલાં લગ્નગ્રંથીથી જોડાવા જઈ રહ્યા હતા લગ્ન વિધિ દરમિયાન કન્યાની માતાએ વરરાજાનું નાક ખેંચવાનો પ્રયત્ન કરતાં બંને પરિવારો વચ્ચે ભારે બબાલ થઈ ગઈ હતી. આખરે પ્રેમિકાએ લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો. જાન લીલા તોરણે પાછી ફરી હતી.
તા. 20ના રોજ અમેરિકાથી આવેલા યુવક અને જામનગરની યુવતીના લગ્ન યોજાયા હતા. જેનો લગ્ન સમારંભ જામનગરની મધ્યમાં આવેલી એક જાણીતી હોટલમાં યોજાયો હતો. જે લગ્ન પ્રસંગ દરમિયાન કન્યા પક્ષ દ્વારા વરરાજાનું નાક પકડવા માટેની વર્ષોથી ચાલી આવતી પરંપરા નિભાવવાની વિધિ શરૂ કરાઇ હતી. જેમાં વરરાજાને ખોટું લાગી જતા પ્રસંગના રંગમાં ભંગ પડ્યો હતો. સૌપ્રથમ વરરાજાના પરિવારે નાક પકડવાનો ઇન્કાર કર્યો હતો. પરંતુ પ્રેમિકાની માતાએ માત્ર નાકને સ્પર્શ કરવાનું જણાવીને માત્ર વરરાજાના નાક ને સ્પર્શ કર્યો હતો. બસ એટલું પણ પ્રેમીના પરિવારજનો સહન કરી શક્યા ન હતા, વરરાજા ના કાકા સહિતના પરિવારજનોએ ભાવિ સાસુમાંનો ઉધડો લીધો હતો. મંગળ વેળા અમંગળ પ્રસંગમાં પલટાઈ ગઈ હતી. ભારે ગરમાગરમી થઈ ગઈ હતી. દરમિયાન કન્યા પણ દરવાજા પાસે આવીને ઉભી રહી ગઈ હતી, ભારે રકઝક પછી તેણે લગ્ન કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી.
આ પછી બંન પરિવારમાં ભારે સોંપો પડી ગયો હતો. પોતાની માતાનુ અપમાન સહન નહીં કરી શકતાં એણે લગ્નને પડતા મૂક્યા હતા. પછી જાન લીલાં તોરણે પાછી મોકલી દીધી. હિંમતભર્યું પગલું લીધું હતું. જાન પરત ફરી હતી. જે બાદ કન્યા પક્ષ પણ હોટલમાંથી ચાલતી પકડી હતી. આમ, બંને પક્ષ માટે બનેલું ભોજન હોટલમાં પડયું રહ્યું હતું. બાદમાં કન્યા પક્ષ દ્વારા પોતાને મળેલી ગિફટ પણ પરત મોકલાવી દીધી હતી. આમ, નાકના પ્રશ્ને લગ્ન ફોક થયા હતા

