રાજકોટના 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલી જીએસપીએસ ગેસની ઓફિસ નજીક ફાયર સેફ્ટીના ગેસના સિલિન્ડર રિપેરીંગ અને રીફલીંગ કરતી દુકાનમાં અચાનક ગેસનો બાટકો ફાટતાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો. જ્યાં ઘટનાસ્થળે મેનેજરનું મોત નીપજ્યું હતું. જ્યારે બે યુવતીઓનો આબાદ બચાવ થયો હતો.

શહેરના 150 ફૂટ રિંગ રોડ ઉપર આવેલા રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે જીએસપીસી ગેસની ઓફિસ નજીક આવેલી શિવ એન્જીનિયર્સ નામની દુકાનમાં ફાયર સેફ્ટી ગેસના સિલિન્ડ રિપેરીંગ અને રીફલીંગ કરતી દુકાનમાં બપોરના સમયે બાટલામાં અચાનક પ્રચંડ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટનો અવાજ એટલો તીવ્ર હતો કે આસપાસથી નીકળતા રાહદારીઓ ત્યાં એકત્ર થઈ ગયાં હતાં. વિસ્ફોટના કારણે થોડીક્ષણ માટે નાસભાગ મચી ગઈ હતી.

આ દુર્ઘટનામાં શિવ ફાયર એન્જિનિયર્સ નામની દુકાનમાં મેનેજર તરીકે કામ કરતા અને શાપર-વેરાવળમાં રહેતા મહેશ અમૃતલાલ સિધ્ધપુરા નામના 38 વર્ષના યુવાનને ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે ત્યાં કામ કરતી અને બે યુવતીઓનો આબાદ બચાવ થયો હતો. આ ઘટના અંગે ગાંધીગ્રામ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરાતા કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

આ દુર્ઘટનામાં દુકાનમાં કામ કરતી નુગ્નાબેન અને નેહાબેન નામની બંને યુવતીઓનો આબાદ બચાવ થયો હતો. પોલીસે મૃતક મહેશ સિધ્ધપુરાના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. તો ઘટનાની જાણ મૃતકના પરિવારજનોને કરાતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

