ગુજરાતમાં વિઘાનસભાની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીને ફટકો પડવાના એંઘાણ છે. પહેલા વિજય સુવાળા પછી નિલમ વ્યાસ અને છેલ્લે મહેશ સવાણીએ રાજીનામું આપી દેતા રાજકીય લોબીમાં ખળભળાટ મચી ગયો છે. આમ આદમી પાર્ટીમાં કોઈ મોટો ધબડકો થવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે. એટલે કે પક્ષ નબળો પડે એવી પૂરી શક્યતાઓ છે. છેલ્લા 24 કલાકમાં બેક ટુ બેક રાજીનામા પડતા પક્ષને આંતરિત ફટકો પડ્યો છે. હજુ પણ બીજા ચહેરા પક્ષમાંથી વિદાય લે એવા એંઘાણ વર્તાય છે.

વિદ્યાર્થી નેતા ગણાતા યુવરાજસિંહ પણ વિજય સુવાળાના રસ્તે જાય છે કે કેમ? આ અંગે રાજકીય વર્તુળમાં ચર્ચા ચાલી રહી છે. ઉદ્યોગપતિ મહેશ સવાણી આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દેશે એ સૌથી પહેલા સામે આવ્યું હતું. એ પછી વિજય સુવાળાએ ભાજપનો કેસરિયો ધારણ કરતા પક્ષની સ્થિતિ ખરાબ થઈ હતી. ગાંધીનગરમાં ચૂંટણી વખતે એવું જોવા મળ્યું કે, ગાજ્યા મેઘ વરસ્યા નથી. હજુ પણ જો કોઈ જાણીતા ચહેરાની વિકેટ ખરશે તો પક્ષ કે સંગઠનના પાયા હચમચી જશે. હાલ તો આમ આદમી પાર્ટીમાં ઈસુદાન અને ઈટાલિયા એકલા પડ્યા છે. વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં તિરાડ અને ફાટા પડી જતા પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ સામે આવ્યો છે. સોમવારનો દિવસ આમ આદમી પાર્ટી માટે ખરા અર્થમાં ભારે રહ્યો હતો. એક દિવસમાં ત્રણ મોટા અને વધુ તીવ્રતા ધરાવતા આંચકા લાગતા રાજકીય ભૂકંપ આવ્યો હતો. વિજય સુવાળાએ ભાજપનો કેસ ધારણ કરતા આની અસર હવે આગામી વિધાનસભા ચૂંટણીમાં વર્તાશે એ ચોક્કસથી કહી શકાય છે. એ પછી નિલમ વ્યાસ અને મહેશ સવાણીએ રાજીનામું આપી દીધું હતું.

આ બધી રાજકીય ઉથલપાથલ વચ્ચે ખાસ વાત તો એ છે કે, મહેશ સવાણીએ જ્યારે પક્ષમાંથી રાજીનામું આપ્યું એના થોડા સમયમાંથી એમને ભાજપમાંથી ઓફર મળી હોવાનું જાણવા મળ્યું છે. વિજય સુવાળાએ મહેશ સવાણીને આ ઓફર આપી હતી. જોકે, કેટલાક રાજકીય પંડિતો એવું જણાવી રહ્યા હતા કે, મહેશ સવાણીએ રાજીનામું આપતા ભાજપની ખુલ્લી ઓફર મળી રહેશે. જે સાચું પડ્યું હતું. જોકે, મહેશ સવાણીને કોઈ બીજો પક્ષ ઓફર આપે એ પહેલા જ ભાજપે રેડ કાર્પેટ પાથરી દીધી હતી. જોકે, સવાણીએ સ્પષ્ટ કર્યું હતું કે, હું રાજકારણનો નહીં પણ સેવાનો માણસ છું. હવે મહેશ સવાણી કેસરિયો ખેસ પહેરશે કે નહીં એના પર સૌની નજર છે. સવાણીએ કહ્યું કે, ભવિષ્યમાં જરૂર પડશે તો અવશ્ય પાર્ટીમાં જોડાઈશ. પણ તેમણે સંપૂર્ણ પણે રાજકારણ છોડીને સમાજસેવા કરવાનો ઈરાદો વ્યક્ત કર્યો છે. મહેશ સવાણીએ ચોખવટ કરી હતી કે, સેવાના માધ્યમમાં રહીશ. મને કોઈની બીક નથી અને મને કોઈનું દબાણ પણ નથી. મે રાજીનામા પહેલા કોઈ સાથે વાત પણ કરી નથી. કોઈ વિશે મારે ખરાબ બોલવું પડે એવું હું નથી ઈચ્છતો. હું કોઈ કોંગ્રેસના નેતા કે સી.આર.પાટીલને મળ્યો જ નથી.


