રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા 45 વર્ષના યુવાને ચૂંટણીકાર્ડમાં સરનામું બદલાવવા અરજી કર્યાના મહિનાઓ વિતવા છતાં તેને કાર્ડ નહીં મળતાં યુવકે બીજું ફોર્મ ભર્યું હતું અને દોઢ વર્ષે તેને એક સાથે બીએલઓએ અલગ અલગ નંબરના બે કાર્ડ આપી દીધા હતા, ભૂલનું ભાન થતાં બીએલઓએ યુવકના ઘરે અડિંગો જમાવી કાર્ડ પરત મેળવવા ધમપછાડા કર્યા હતા એટલું જ નહીં બંને કાર્ડ રદ કરાવી દેવાની ધમકી પણ આપી હતી.
જામનગર રોડ પરના કોપરસિટી પ્લસમાં રહેતા મધુસૂદન સી. પંડ્યા રાજકોટના લક્ષ્મીવાડી વિસ્તારમાંથી કોપરસિટી વિસ્તારમાં રહેવા ગયા હતા, તેમની પાસે જીજે 1 સિરીઝનું ચૂંટણીકાર્ડ હતું, લક્ષ્મીવાડીથી કોપરસિટીનું સરનામું બદલાવવા માટે 7 જાન્યુઆરી 2020ના માલવિયા કોલેજ પાસે આવેલી મામલતદાર કચેરીમાં અરજી કરી હતી, પરંતુ જૂની સિરીઝનું કાર્ડ હોવાથી અપડેટ થતું નહોતું, જેથી કાર્ડ પરનો ફોટો અને સરનામું ચેન્જ કરવા માટે 17 જૂન 2020ના આત્મીય કોલેજ પાસેની મામલતદાર કચેરીમાં ફરીથી અરજી કરતાં એ જ દિવસે એ કાર્ડ કેન્સલ કરવા અંગેની તંત્ર દ્વારા પહોંચ આપવામાં આવી હતી, અને નવું કાર્ડ કઢાવવા માટેનો રસ્તો ખુલ્યો હતો.
મતદાર સુધારણા કાર્યક્રમ આવતા બજરંગવાડી વિસ્તારની સરકારી સ્કૂલમાં પોતે તથા તેના એપાર્ટમેન્ટના અન્ય લોકોએ ફોર્મ ભર્યા હતા, અન્ય લોકોના કાર્ડ આવી ગયા હતા પરંતુ મધુસૂદનભાઇનું કાર્ડ નહીં નીકળતા તેમણે આ અંગે તપાસ કરતાં મામલતદાર કચેરીમાંથી તેમનું ફોર્મ જ ગાયબ થઇ ગયાનું જાણવા મળ્યું હતું. મધુસૂદનભાઇ દોઢ વર્ષ સુધી કચેરીઓમાં દોડતા રહ્યા હતા પરંતુ તેમને કાર્ડ મળતું નહોતું એટલું જ નહીં સ્ટાફ દ્વારા યોગ્ય પ્રતિસાદ પણ મળતો નહોતો.
ગત તા.9 નવેમ્બર 2021ના બીએલઓ નરેન્દ્ર બારૈયાએ ફોન કરી બજરંગવાડી ખાતેની સ્કૂલેથી કાર્ડ લઇ જવાનું કહેતા મધુસૂદનભાઇ ત્યાં પહોંચ્યા હતા તો બીએલઓ બારૈયાએ મધુસૂદનભાઇને એક નહીં પરંતુ બે ચૂંટણી કાર્ડ આપ્યા હતા બંને કાર્ડમાં અલગ અલગ નંબર હતા. બીએલઓએ સહી કરાવી બંને કાર્ડ મધુસૂદનભાઇને આપ્યા હતા. પોતાની ભૂલનું ભાન થતાં અઠવાડિયાથી બારૈયાએ મધુસૂદનભાઇને ફોન કરી એક કાર્ડ રદ કરાવી જવાનું કહ્યું હતું અને મધુસૂદનભાઇ પોતાના ધંધાના કામે બહારગામ હોવાથી કાર્ડ રદ કરાવવા નહીં જઇ શકતાં રવિવારે બીએલઓ અને તેની ટીમ મધુસૂદનભાઇના ઘરે પહોંચી હતી અને અઢી કલાક સુધી પંડ્યા પરિવારના ઘરે અડિંગો જમાવ્યો હતો એટલું જ નહીં એક કાર્ડ રદ નહીં કરાવો તો બંને કાર્ડ રદ કરી નાખીશું તેવી ધમકી પણ આપી હતી.

