ઉત્તરાયણ બાદ સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનું જોર ઘટ્યું છે. લઘુત્તમ તાપમાનનો પારો 3થી 4 ડીગ્રી જેટલો ઊંચકાતા લોકોએ હુંફાળા વાતાવરણનો અહેસાસ કર્યો હતો. તો બીજી તરફ કાલથી સૌરાષ્ટ્ર-કચ્છના વાતાવરણમાં પલટો આવવાની તેમજ છુંટા છવાયા વિસ્તારોમાં કમસોમી વરસાદની આગાહી રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. આ આગાહીના પગલે જગતાત ઉપર ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.

ઉત્તર ભારતમાં છેલ્લા ઘણા દિવસથી હિમવર્ષા થઈ રહી છે. ભારે હિમવર્ષા બાદ સૌરાષ્ટ્ર-કચ્છમાં સુસવાટા મારતા ઠંડા પવનો ફુંકાતા શહેરો હિલસ્ટેશન બની ગયાં હતાં. ત્યારે હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સૌરાષ્ટ્ર-કચ્છ તથા ઉત્તર ગુજરાતમાં માવઠાંની આગાહી રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 21 અને 22મી જાન્યુઆરીએ હળવા વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસશે.

આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છમાં 18મી જાન્યુઆરીથી તાપમાનમાં ત્રણ ડીગ્રી સુધીનો વધારો થતા ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. હવામાન વિભાગના સુત્રોના જણાવ્યા પ્રમાણે આગામી બે દિવસ માટે ઉત્તર ગુજરાતમાં યેલો એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત 22 જાન્યુઆરી સુધી મોટા ભાગના શહેરોમમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફુંકાઈ રહેલા ઠંડા પવનોના કારણે શીતલહેરનું મોજુ ફરી વળ્યું છે. મોટા ભાગના શહેરોમાં લધુત્તમ તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે પહોંચી ગયો હતો. રાજ્યમાં નલીયામાં આજે 8 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. છેલ્લા એક મહિનામાં સાઈક્લોનિક સિસ્ટમના કારણે સોરાષ્ટ્ર-કચ્છના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેના કારણે અનેક સ્થળે કમોસમી વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત હવે જો માવઠું વરસે તો રવિ પાકમાં વ્યાપક પ્રમાણમાં નુકશાની થવાની સંભાવના ખેડૂતો દ્વારા વ્યક્ત કરાઈ રહી છે.


