ગુજરાત પોલીસ વિભાગ તરફથી ચાલી રહેલી પીએસઆઈ અને એલઆરડીની ભરતી પ્રક્રિયામાં કોઇ પણ પ્રકારની કસોટી આપ્યા વગર સીધા જ જોઇનિંગ લેટર આપવાની લાલચ આપી 12 જેટલા નોકરીવાંછુક યુવકો પાસેથી રૂ.15 લાખથી વધુ રકમ પડાવતી ટુકડીનો પર્દાફાશ થયો છે. એનઆરઆઈ બબલી અને તેના પ્રેમીને રાજકોટ પોલીસે ઝડપી લીધા છે અને આ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસની કસોટીમાં પાસ કરાવી દેશું” તેમ કહીં કેરેબિયન નાગરીત્વ ધરાવતી મૂળ જૂનાગઢ જિલ્લાની વતની ક્રિષ્નાબેન ભરડવા ઉર્ફે ક્રિષ્ના શાહ અને જામનગર જિલ્લાના રહેવાસી જેનિસ પરસાણાએ જુદા જુદા ઉમેદવારો પાસેથી રૂ.1 લાખથી લઇ રૂ.2.70 લાખ જેટલી રકમ પડાવી હોવાનું પોલીસ રીપોર્ટમાંથી જાણવા મળ્યું છે.
ક્રિષ્ના શાહ પોતાને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ભત્રીજી હોવાની કહેતી હતી. રોફ જમાવી ઉમેદવારોને પોતાની માયાજાળમાં ફસાવી લાખો રૂપિયા ઉઘરાવતી હતી. આમ બંને છેતરપીંડી કરતા હતા. આ અંગે રાજકોટ ઝોન-2ના ડીસીપી મનોહરસિંહ જાડેજાને મળેલી એક ફરિયાદને આઘારે ગાંધીગ્રામ પોલીસે છુપી રીતે એક ઓપરેશન પાર પાડ્યું છે. જેમાંથી આ કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ અંગે બંને સામે કાયદેસરની પોલીસ ફરિયાદ થઈ છે. છેલ્લા એક મહિનાથી ક્રિષ્ના અને જેનીસે જૂનાગઢ, રાજકોટ, પોરબંદર સહિત સૌરાષ્ટ્રભરમાં ઉમેદવારોને શિકાર કર્યા છે. એક નેટવર્ક ઊભું કરીને અનેક ઉમેદવારોને સિલેકટ કરી દેવાનું આશ્વાસન આપી રૂ.2 થી 10 લાખ પડાવ્યા હોવાનું પોલીસ તપાસમાંથી જાણવા મળ્યું છે. રાજકોટ ભગવતીપરાની નંદનવન સોસાયટી શેરી નં-5 માં રહેતા આશિષ સીયારામભાઈ ભગત (ઉ.વ. 24)એ રાજકોટના ડીસીપી મનોહરસિંહ જાડેજાને મળી માહિતી આપી કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલની ચાલી રહેલી પરીક્ષાના નામે કોઈ કસોટી વગર આ રીતે સેટિંગ કરી પૈસા પડાવવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. સીધા જ જોઇનિંગ લેટર દેવડાવી દેવાની લાલચ આપી નોકરીવાંછુક યુવકો પાસેથી ક્રિષ્ના શામજીભાઈ ભરડવા અને જેનિશ પરસાણાએ રૂપિયા પડાવ્યા છે. પોલીસા આ અંગે તપાસ કરતા નેટવર્ક હોવાનું જાણવા મળ્યું.
તમામનો સંપર્ક કરી ડીસીપી મનોહરસિંહ જાડેજાએ પોલીસભરતી કૌભાંડના મુળ સુધી પહોંચવા ગાંધીગ્રામ પોલીસના પી.આઈ કે.એ.વાળા તથા એમની ટીમે કામે લગાડી હતી. ટીમે આ અંગે એક ઑપરેશન શરૂ કરી આ બંને વ્યક્તિઓને પકડી પાડ્યા છે. આ ઑપરેશનમાં પોલીસની કુલ પાંચ ટીમે જુદી જુદી દિશમાં તપાસ કરીને મૂળ સુધી પહોંચવા તજવીજ કરી હતી. બંનેની પુછપરછ કરતા સમગ્ર રેકેટ બહાર આવ્યું હતું. 11 એલઆરડી અને એક પીએસઆઈ એમ બે કેટેગરીમાં રસ ધરાવતા ઉમેદવાર પાસેથી રૂપિયા પડાવ્યા હતા. કુલ 12 જેટલા અલગ અલગ ઉમેદવારો પાસેથી રૂ. 1.10 લાખ લેખે બંને આરોપીઓએ 11 લાખ અને બાકીના બે ઉમેદવારો પાસેથી 2- 2 લાખ મળી કુલ રૂ. 15 લાખની છેત્તરપિંડી આચરી છે. જેમાં પ્રાથમિક તબક્કે 12 યુવાન મળી આવ્યા હતા, તમામે કહ્યું હતું કે, ક્રિષ્ના અને પ્રેમી જેનિશ પરસાણા જોઇનિંગ લેટરની ખાતરી આપતા હતા. રૂ. 5 લાખ ડાયરેક્ટ ભરતી માટે નક્કી થયા હતા. પ્રથમ તબક્કે રૂ.1.10 લાખ તમામ 12 લોકો પાસેથી મેળવ્યા હતા. બાકીના રૂ.3.90 લાખ ઓર્ડર મળ્યા બાદ આપવાની વાત નક્કી કરતા હતા. ગાંધીગ્રામ પોલીસે ક્રિષ્ના તથા પ્રેમી જેનીસને ચોટીલાથી પકડી લઇ એક કાર કબજે કરી હતી. જે યુવાનો અહીં શિકાર થયા તેઓ પોલીસ પરીક્ષાની તૈયારી કરતા હતા પણ ડાયરેક્ટ ઓર્ડરની લાલચથી દોડ માટેની કસોટીમાં ગયા જ નહીં.

બંને કેન્યા ભાગવાના પ્લાનમાં હતા
પોલીસની તપાસમાંથી સામે આવ્યું હતું કે, મૂળ જૂનાગઢની ક્રિષ્ના કેન્યા સ્થાયી થઇ હતી. ક્રિષ્નાએ પતિને છૂટાછેડા આપી દીધા હતા. રાજકોટમાં એરપોર્ટ રોડ પર આવેલી એક હોટેલમાં રહેતી હતી. જામનગરનો જેનિસ પરસાણા સાથે 8 મહિના પહેલા સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવી હતી. પછી બંને વચ્ચે પ્રેમ સંબંધી પાંગર્યો હતો. સગાઇ કરવાના હતા. નોકરીવાંછુકો પાસેથી લાખો રૂપિયા પડાવી ક્રિષ્ના અને જેનીશ બંને કેન્યા ભાગી જવાના પ્લાનમાં હતા. પણ એ પહેલા ભાંડો ફૂટી ગયો. ક્રિષ્ના એ ઘંઘાની જૂની ખેલાડી રહી છે. અગાઉ પણ નોકરીના નામે અનેકને છેત્તરીને પૈસા કઢાવ્યા હતા. ક્રિષ્નાની સાથે પડદા પાછળ મોટા માથાની સંડોવણીની પણ આશંકા સેવાઇ રહી છે.
આ રીતે ખબર પડી કે ચિટિંગ થયું
ક્રિષ્નાબેન તથા જેનિસે પીએસઆઈ અને એલઆરડીની પરિક્ષા આપનાર ઉમેદવારોને એવી ઓળખાણ આપી હતી કે, પોલીસ ખાતમાં એની મોટી ઓળખાણ છે. કોઇ કોઇએ પણ પોલીસની દોડ તથા લેખિત પરિક્ષા આપવાની નહીં. સીધા જ જોઇનિંગ લેટર મળી જશે તેમ કહીં 12 જેટલા ઉમેદવારો પાસેથી રૂ.15 લાખ લીધા હતા.પીએસઆઈની ફિઝિકલ પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોનું લિસ્ટ બહાર પડ્યું, જેમાં રૂપિયા આપનાર આ ઉમેદવારોના નામ ન હોવાથી પોતાની સાથે ચિટિંગ થયાનું સામે આવ્યું છે. સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો.પ્રેકટીસ કરતા ઉમેદવારો પરિક્ષા પાસ થઈ ગયાના વહેમમાં પરિક્ષા આપવા ન ગયા. મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચતા એક ચોક્કસ તપાસના અંતે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો.

