કાતિલ ઠંડીની રાતમા ચોરીના પ્રમાણ વધી જતા હોય છે. થોડા દિવસ પહેલા જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાંથી એક ફરસાણની દુકાનમાંથી ચોરી થઈ ગઈ હતી. આવો જ એક બનાવ હવે રાજકોટ પાસે આવેલા કુવાડવા ગામેથી સામે આવ્યો છે. એવી ચોરી સામે આવી છે, જેને જોઈને દુકાનદાર પણ ચોંકી ગયા હતા. રાજકોટ નજીક કુવાવડામાં મધરાતે ત્રાટકેલા તસ્કરોએ એક ફરસાણની દુકાનમાંથી ગાંઠિયા અને લાડવાની ચોરી કરી હતી.
રાજકોટ પાસેના કૂવાડવામાં ચોર ટુકડીએ ફરસાણની દુકાનનું શટર તોડીને ગાંઠિયા અને લાડવાની ચોરી લીધા હતા. સામાન્ય રીતે ચોરી કોઈ સંપત્તિ કે રોકડની થઈ હોવાનું જાણવા મળે છે. પણ અહીં બનેલો કેસ અનોખો છે. શિયાળાની લાંબી રાતમાં સૌ કોઈ શાંતિથી ઘરમાં સૂતા હોય છે ત્યારે કૂવાડવા ગામમાં મધરાત્રે ચોર ટોળકી ત્રાટકી હતી. એક સાથે ત્રણ દુકાનોનાં તાળાં તોડ્યાં હતા. તેમાંથી એક દુકાન ફરસાણની પણ હતી. જેમાંથી લાડવા તેમજ ગાંઠિયાની ચોરી કરી હતી. એ પછી ચોર ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. ગાંઠિયા ચોર પડકારનો સામનો કરવા પથ્થરની થેલી ભરીને આવ્યા હતા. જેથી પકડાઈ જાય તો પત્થરથી હુમલો કરી શકે. કુવાડવામાં એક જ રાતમાં દુધાત્રા પરિવારના મઢ અને ત્રણ દુકાનોના શટર તૂટ્યાં છે. ગાંઠિયા અને લાડવાની ચોરી કરનારા ચોર સીસીટીવીમાં પણ કેદ થયા છે. જોકે, સમગ્ર રાજકોટ અને કુવાડવામાં ચર્ચા એ વાતની છે કે ચોર ગાંઠિયા અને લાડવા ચોરી ગયા.

