સુરતના સરથાણામાં બેફામ દોડી રહેલી સીટીબસે રાહદારીને ટક્કર મારતા ત્યાં ઉશ્કેરાયેલા લોકોએ સીટી બસને આગ લગાડી હતી. ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચતા પોલીસે સ્થિતિ ઉપર કાબુ મેળવીને સીટીબસને આગ લગાડનાર 6 શખસોની ઓળખ કરી 3 શખસોની અટકાયત કરી છે.

સુરતના સરથાણા નજીક આવેલા ડાયમંડનગરમાં બેલગામ બનેલી સીટી બસે રસ્તે ચાલી રહેલા રાહદારીને હડફેટે લીધા હતાં. આ બનાવમાં રાહદારીને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. તો ઉશ્કેરાયેલા ટોળાએ સીટીબસને આગ ચાંપી દીધી હતી. સીટી બસને આગ ચાંપી હોવાનો કોલ ફાયરબ્રિગેડને કરતા ફાયરના જવાનોએ ઘટનાસ્થળે જઈ બસમાં લાગેલી આગને કાબુમાં લીધી હતી.

આ બાદ સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈ અને સ્ટાફ તાત્કાલીક સ્થળ ઉપર દોડી જઈને ટોળાને વિખેર્યાં હતાં. આ સમગ્ર ઘટનામાં ડ્રાઈવર અને કંડક્ટર સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.કે. ગુર્જરના જણાવ્યા પ્રમાણે બીઆરટીએસ રૂટ ઉપર યુવક રોડ ક્રોશ કરતો હતો. બસની ઠોકરથી યુવાન બેભાન થઈ ગયો હતો અને તેને 108ની મારફતે હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ ઘટના બાદ ઉશ્કેરાયેલા ટોળાએ સીટીબસને આગ ચાંપી દીધી હતી. બસને આગ ચાપનાર 6 શખસોની ઓળખ કરી છે જે પૈકી ત્રણને ડીટેઈન કરી છે. આ ઘટના અંગેની સીસીટીવી ફુટેઝના આધારે પોલીસે આગળની તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

