કોરોના વાયરસની મહામારી વચ્ચે એક બાજુ સરકારી નિયંત્રણ લાગુ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ પ્રજા બેદરકારી દાખવી રહી છે. મહાનગર અમદાવાદના નિકોલમાં આવેલી મધુવન ગ્રીન પાર્ટી પ્લોટમાં ચિરાગ ઉર્ફે ડાગો નામના વ્યક્તિએ પોતાના પાળીતા શ્વાનનો જન્મદિવસ ઉજવ્યો છે. ચિરાગ પટેલે પોતાના મિત્રો સાથે મળીને પોતાના ડોગનો બર્થ ડે સેલિબ્રેટ કર્યો છે. હવે એની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ડોગના જન્મદિવસ માટે આશરે રૂ.7 લાખનો ખર્ચો થયો હોવાનું જાણવા મળ્યું છે.
જ્યારે એના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ચિરાગ પટેલ, ઊર્વીશ પટેલ, દિવ્યેશ મહેરિયાની ધરપકડ આ કેસમાં કરવામાં આવી છે. આ તમામ શખ્સોએ પાળીતા શ્વાનનો જન્મદિવસ મનાવવા માટે પોતાના મિત્રો તથા સગા સંબંધીઓને પાર્ટી પ્લોટમાં એકઠા કર્યા હતા. જેમાં કોઈએ માસ્ક પણ પહેર્યું ન હતુ. પાર્ટીમાં ક્યાંય સોશિયલ ડિસ્ટન્સ જોવા મળ્યું ન હતું. જેથી અન્ય લોકોના જીવ પણ જોખમમાં મૂકાઈ ગયા હતા. મધુવન ગ્રીન પાર્ટી પ્લોટના એન્ટ્રી પોઈન્ટ પર શ્વાનની મોટી મોટી તસવીર મૂકવામાં આવી હતી. આ શ્વાન સાથે કાજલ મહેરિયાની તસવીર પણ મૂકવામાં આવી હતી. આ પાર્ટીમાં કાજલ મહેરિયાએ ગરબાની રમઝટ બોલાવી હતી. આ પાર્ટીમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા. અમદાવાદમાં કોરોના વાયરસના કેસ રોકેટગતિએ વધી રહ્યા છે. એવામાં ફરી એકવખત અમદાવાદ કોરોના વાયરસનું એપી સેન્ટર બને એવા એંધાણ વર્તાય રહ્યા છે. એવામાં આવી પાર્ટીઓ સુપર સ્પ્રેડર પુરવાર થઈ શકે છે. કાજલ મહેરિયા ઉત્તર ગુજરાતની લોકપ્રિય ગાયિકા છે. સોશિયલ મીડિયા પણ સતત એક્ટિવ રહે છે. લોકગીત, ભજન, લગ્નગીત ઉપરાંત નવા જૂના ગુજરાતી તથા હિન્દીગીત ગાય છે.

આ પહેલા પણ કાજલ મહેરિયાએ ડીજેના તાલે ગીત ગાતા મામલો ચર્ચામાં રહ્યો હતો. થરાદ તાલુકાના કેશર ગામે નાગજીભાઈ સોનાજી નાયીના દીકરાનો લગ્ન પ્રસંગ હતો. જેમાં કાજલ મહેરિયાને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તા.29 નવેમ્બર 2020ની રાત્રે કાજલે અહીં રમઝટ બોલાવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. જ્યારે જાહેરનામાનું ઉલ્લંઘન થયું હતું. આ અંગનો વીડિયો સામે આવ્યો હતો. તા.16 ડીસેમ્બરના રોજ લગ્ન આયોજક વરરાજાના પિતા નાગજીભાઈ સોનાજી નાયી તથા કાજલ મહેરિયા સામે ગુનો નોંઘાયો હતો. કાજલ થરાદ પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા અને પછી મુક્ત કરી દેવામાં આવી હતી.

