એક તરફ રાજકોટમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે. ત્યારે બીજી તરફ કોરોનાનું સંક્રમણ ઓછુ કરવા માટે આરોગ્ય વિભાગ દ્વારા ઠેર ઠેર ટેસ્ટિંગ બુથ શરૂ કરી દેવામાં આવ્યાં છે. આજે રાજકોટ મહાનગર પાલિકાની તેમજ સરકારી કચેરીમાં વેક્સિનના બે ડોઝ લીધાનું સર્ટીફિકેટ દેખાડે તેને જ પ્રવેશ અપાતા અનેક સ્થળોએ લોકોએ હોબાળો મચાવ્યો હતો. તો બહાર રસ્તા ઉપર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી.

આજે સવારથી જ કોર્પોરેશન કચેરીમાં કોરોના રસીના બંને ડોઝ લેનારને પ્રવેશ આપવા માટે સઘન ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં પદાધિકારીઓના સત્તાવાર વાહનોને રોકીને પણ ચેકીંગ કરાયું હતું. જેને લઈને ભારે હોબાળો થયો હતો અને મનપા કચેરી બહાર ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યાં હતાં. રાજકોટ મહાનગરપાલિકામાં આ ચેકીંગ દરમયાન કચેરી બહાર લોકો તેમજ વાહનોની લાંબી લાઈનો લાગી હતી. કોઈપણ અનિચ્છનીય ઘટના બને નહીં તે માટે વિજીલન્સ પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

