આમ આદમી પાર્ટી AAPના નેતા ઈસુદાન ગઢવીની લીકર કેસ મામલે મુશ્કેલીઓ વધી રહી છે. આમ આદમી પાર્ટીના વકીલે તો સ્પષ્ટતા કરી હતી કે, લીકર સંબંધીત એફિડેવિટમાં કોઈ લખાણ ન હતું. ઈસુદાન ગઢવીનો લિકર ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જેના કારણે હવે ગાંધીનગરના ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં એમની સામે FIR નોંધાશે. તા.12 ડીસેમ્બરે યોજાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ત્રણ દિવસ પહેલા જ લીક થયું હતું. જેના કારણે ગાંધીનગરમાં ભારે વિરોધ થયો હતો.
એ પછી તો સરકારે પણ સ્વીકાર્યું હતું કે પેપર લીક થયું છે. આ પેપરલીક કાંડ મામલે આમ આદમી પાર્ટીના નેતાઓ તથા કાર્યકર્તાઓ કમલમ ખાતે વિરોધ પ્રદર્શન કરવા ગયા હતા. ભાજપના કાર્યકર્તાઓ અને આપના નેતાઓ તથા કાર્યકર્તાઓ બરોબરની તકરાર થઈ ગઈ હતી. પોલીસે પણ લાઠીચાર્જ કર્યો હતો. પોલીસની સાથે ભાજપના કેટલાક કાર્યકર્તાઓ પણ તૂટી પડ્યા હતા. ભાજપના મહિલા કાર્યકર્તા શ્રદ્ધા રાજપૂતે ઈસુદાન ગઢવી સહિતના કેટલાક નેતાઓ સામે છેડતીનો આક્ષેપ કર્યો છે. આ સાથે એવું પણ કહ્યું કે, ઈસુદાન ગઢવી દારૂ પીધેલી હાલતમાં હતા. બાદમાં મેડિકલ ટેસ્ટ માટે ગાંધીનગર સિવિલ ખાતે ટેસ્ટ હેતુ લઈ જવામાં આવ્યા હતા. જોકે, એક મીડિયા મુલાકાતમાં તેઓ ચોખવટ કરી ચૂક્યા હતા કે, એમણે કોઈ નશો કર્યો નથી.

તેમનો પ્રાથમિક પણ રિપોર્ટ નોર્મલ આવ્યો હતો. હવે તેમનો લિકર ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. પોતાનો લિકર ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ ઈસુદાને ભાજપ પર આકરા શબ્દોમાં પ્રહાર કર્યા છે. ઈસુદાને મીડિયાને કહ્યું હતું કે, દારૂ મેં મારી જિંદગીમાં ક્યારેય પીધો નથી. હું ઈશ્વરના સોગંધ ખાઈને કહું છું કે મેં ક્યારેય દારૂ પીધો નથી. પીવાનો પણ નથી. ભાજપ તળકક્ષાની રાજનીતિ કરી રહ્યો છે. ઈસુદાન ગઢવી સામે જે છેડતીની ફરિયાદ કરવામાં આવી હતી તે અંગે વકીલે જણાવ્યું હતું કે, જે આક્ષેપો કરવામાં આવ્યા હતા તેને લઈને એફિડેવિટમાં કોઈ રજૂઆત નથી, મેડિકલ પુરાવા અંગેની પણ વાત નહોતી. એટલે તેના પરથી માની શકાય કે જે ફરિયાદ હતી તેને સંપૂર્ણ રીતે સ્વીકારી ના શકાય.


