2021નું વર્ષ પૂર્ણ થઈ ગયું છે અને આવનારૂ વર્ષ ક્રિકેટ ક્ષેત્રે ધમાકેદાર રહેવાનું છે. ગત વર્ષે ટીમ ઈન્ડિયાએ ઑસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને આફ્રિકા જેવી ટીમોને તેના જ ઘરમાં ધોબી પછડાટ આપીને સર્વશ્રેષ્ઠનો ખિતાબ મેળવી લીધો હતો. ટી-20 વર્લ્ડકપ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલમાં કરેલું પ્રદર્શન હજું પણ ચર્ચાનો વિષય બની રહ્યું છે. નવા વર્ષ 2022માં ટીમ ઈન્ડિયાનો ‘નોનસ્ટોપ’ મુકાબલો જોવા મળશે.
સૌથી ખાસ વાત એ છે કે, જુદી જુદી ટુર્નામેન્ટની કેટલીક મેચ ગુજરાતમાં યોજાવવાની છે. આ માટેની પ્રાથમિક મંજૂરીઓનું કામ પૂર્ણ થઈ ગયું છે. T20, વન-ડે અને IPLના કેટલીક મેચ નિહાળવાનો ક્રિકેટ પ્રેમીઓને આ વર્ષે લ્હાવો મળશે. અમદાવાદમાં આવેલા દુનિયાના સૌથી મોટા એવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે તા.6 ફેબ્રુઆરીએ વન-ડે મેચ રમાશે. એ પછી IPLની 15મી સીઝનમાં આ વર્ષથી અમદાવાદની ટીમ હોવાથી તે અમદાવાદમાં ઓછામાં ઓછી 7 મેચ રમાશે. એ પછી તા.17 જૂને રાજકોટમાં ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે T20 મેચ યોજાશે. બીજી બાજુ આ વર્ષે પાકિસ્તાન સામે પણ ભારતીય ક્રિકેટ ટીમની બે મેચ નક્કી થઈ છે. પાકિસ્તાન સામે પહેલી ટક્કર એશિયા કપમાં તો બીજી મેચ T20 વર્લ્ડકપમાં થશે. ઈંગ્લેન્ડ પ્રવાસે પણ ટીમ ઈન્ડિયા પાસે ટેસ્ટ શ્રેણી જીતવાની તક રહેશે.

ટીમ ઈન્ડિયા હાલમાં આફ્રિકાના પ્રવાસે છે. જ્યાં સેન્ચુરિયનમાં ભારતીય ટીમે પહેલી ટેસ્ટ જીતી લીધી છે. હવે બાકીના બે ટેસ્ટ આ વર્ષે રમાશે. આ પછી તા.19 જાન્યુઆરીથી વન-ડે શ્રેણી પણ શરૂ થશે. જે તા.23 જાન્યુઆરી સુધી ચાલશે. આફ્રિકા સીરિઝ પૂરી કરીને ટીમ ઈન્ડિયા પરત ફરશે. જ્યાં વેસ્ટ ઈન્ડિઝટીમની યજમાની કરશે. તા. 6 ફેબ્રુઆરીએ અમદાવાદથી આ ટુર શરૂ થશે. જે તા. 20 ફેબ્રુઆરી સુધી ચાલશે. વર્ષ 2022માં ટીમ ઈન્ડિયાનો આગલો સામનો શ્રીલંકા સામે થશે. શ્રીલંકન ટીમ પાંચ વર્ષ બાદ ભારત પ્રવાસે આવશે. છેલ્લે શ્રીલંકાની ટીમ આ 2017માં ભારત આવી હતી. આ વર્ષે ભારત પ્રવાસે શ્રીલંકા બે ટેસ્ટ અને 3 ટી-20 મેચની શ્રેણી રમશે. આ શ્રેણી બાદ આઈપીએલ-15નો પ્રારંભ થશે.
IPL બાદ ટીમ ઈન્ડિયા ફરી એક વખત બ્લુ જર્સીમાં જોવા મળશે. આ વખતે ટીમનો સામનો ઘણ આંગણએ આફ્રિકા સામે થશે. બંને દેશ વચ્ચે કુલ પાંચ ટી-20 મેચ રમાશે. ગત વર્ષે 2021માં ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ પ્રવાસે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમવા ગઈ હતી. પરંતુ કોરોનાને પગલે છેલ્લો ટેસ્ટ સ્થગિત કરી દેવાઈ હતી. શ્રેણીના રદ્દ થતાં પહેલાં ભારત ટેસ્ટ શ્રેણીમાં આગળ હતું. હવે ભારત પાંચમો ટેસ્ટ જીતવામાં સફળ થયું. ઈંગ્લેન્ડ પ્રવાસ પૂરો કરીને ટીમ ઈન્ડિયા ત્રણ વન-ડે અને ત્રણ ટી-20 મેચની શ્રેણી માટે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસે જશે.
જો કે આ શ્રેણીની તારીખ અને ગ્રાઉન્ડ હજુ જાહેર કરાયા નથી. તે જૂલાઈ-ઑગસ્ટમાં રમાશે એવી પૂરી શક્યતાઓ છે. પૂરા ચાર વર્ષ બાદ આ વર્ષે શ્રીલંકામાં એશિયા કપનું આયોજન કરવામાં આવશે. આ ટૂર્નામેન્ટ ટી-20 ફોર્મેટમાં રમાશે. જો કે તેની તારીખ હજુ સામે આવી નથી. મોટાભાગે તે સપ્ટેમ્બરમાં રમાઈ શકે છે. આ ટૂર્નામેન્ટમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર જોવા મળશે. ઑસ્ટ્રેલિયન ટીમ સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં ભારત પ્રવાસે આવશે. આ પ્રવાસે ચાર ટેસ્ટ અને 3 ટી-20 મેચની શ્રેણીનું આયોજન થશે. 2017 બાદ પહેલી વખત ઑસ્ટ્રેલિયન ટીમ ભારત પ્રવાસે ટેસ્ટ શ્રેણી રમશે. આ શ્રેણીની તારીખ પણ હવે જાહેર થશે.

