દરરોજ મોટી સંખ્યામાં મુસાફરોને એક શહેરથી બીજા શહેર તેમજ શહેર કે ગામડા સુધી પહોંચાડવા માટે સરકાર તરફથી એસટીની સેવા શરૂ કરવામાં આવી છે. આ સર્વિસને વધુ આધુનિક અને નિયમિત કરવા માટે અપગ્રેડશન થયું છે. આધુનિક બસ સ્ટેન્ડ તૈયાર કરવામાં આવ્યા છે. બસના ડ્રાયવર્સ પર મુસાફરો આંખો બંધ કરીને મુસાફરી પણ કરતાં હોય છે. જ્યારે ડ્રાઈવરો જ દારૂ પીને બસ ચલાવે તો અકસ્માત ન સર્જાય તો બીજું શું થાય? દરમિયાન રાજકોટના ‘વૈભવી’ કહેવાતા એસ.ટી.બસ પોર્ટના બાથરૂમમાં ઘૂસીને દારૂ ઢીંચતા બે ડ્રાયવરો પકડાતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

બીજી બાજુ એસ.ટી.બસ પોર્ટ સંભાળવાની જેની જવાબદારી છે તે ડેપો મેનેજર હંમેશા એ.સી.રૂમમાં ‘આરામ’ખુરશીમાં બેઠા હોય છે. તેથી બસપોર્ટ જાણે કે રેઢું ખેતર હોય તેવી રીતે કર્મચારીઓ કામ કરી રહ્યા છે. આ અંગે એસ.ટી.ના આસિસ્ટન્ટ ટ્રાફિક ઈન્સ્પેક્ટર સુભાષ ચાવડાએ એ-ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ અનુસાર પોરબંદરમાં રહેતાં અને રાજકોટ એસ.ટી.માં ડ્રાયવર તરીકે કાર્યરત મયુરગીરી રાજેન્દ્રગીરી રામદતી તેમજ જૂનાગઢમાં રહેતાં, રાજકોટ એસ.ટી.માં ડ્રાયવર કામ કરતાં ભાસ્કર જીવાભાઈ ડાકી દારૂ ઢીચીને બેઠા હતા. બાથરૂમમાંથી તેઓ દારૂ પીને બહાર આવ્યા હતા. હલનચલનની સ્થિતિ શંકાસ્પદ લાગતા તપાસ કરવામાં આવી હતી. એના મોઢામાંથી પણ વાસ આવી રહી હતી. દારૂ પીધો હોવાનું લાગતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે બંને વ્યક્તિઓની ધરપકડ કરી ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે. રાજકોટના એસટી બસ સ્ટોપમાં સતત દોડધામ જોવા મળે છે. ન તો અહીં માસ્કનું પાલન થાય છે. ન તો કોઈ એન્ટ્રી પોઈન્ટ પર ચેકિંગ કરે છે.
જેમ છતાં ડેપો મેનેજર આરામ ખુરશીમાં બેસીને વાતોના વડાં કરતા હોય છે. બીજી તરફ પ્રવાસીઓને મનફાવે એમ ભરવામાં આવે છે. જાણે કોરોનાને ખુલ્લુ આમંત્રણ આપતા હોય. તો ક્યારેક પૂછપરછમાંથી પણ વ્યવસ્થિત રીતે જવાબ દેવામાં આવતા નથી. સૌરાષ્ટ્રના દરેક સેન્ટરને જોડતું રાજકોટ એસટી બસ સ્ટોપ મોટી જવાબદારી અંતર્ગત આવે છે. એવામાં જ્યાં ડ્રાઈવર બે પેગ મારતા ઝડપાય તો પ્રવાસીઓની સુરક્ષાનું શું? આ સાથે તે અકસ્માત ન કરે એની કોઈ ગેરેન્ટી ખરા?

