ગૌણ સેવા પસંદગી મંડળનું હેડ ક્લાર્કનું પેપર લીક થયું હતું, જે બાબતે ફરિયાદ નોંધીને પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. સમગ્ર મામલે પેપર છપાયું તે પ્રિન્ટિંગ પ્રેસ સૂર્યા ઓફસેટ અને તેના માલિક મુદ્રેશ પુરોહિતનું નામ સામે આવ્યું હતું. કોંગ્રેસનો આક્ષેપ છે કે મુદ્રેશ પુરોહિત અગાઉ રાજસ્થાનમાં પણ પેપર લિકમાં સંડોવાયેલા હતા, જેનો સરકારે બચાવ કર્યો હતો. જે બાદ તેમને સરકારને 1 લાખ રૂપિયા ફંડ પણ આપ્યું હતું. રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ મુદ્રેશ પુરોહિતને સાક્ષી બનાવીને બચાવવામાં આવશે.

કોંગ્રેસના યુવા નેતા પાર્થિવરાજ સિંહ કઠવાડિયાએ જણાવ્યું હતું કે, 2013માં રાજસ્થાન જ્યુડિશિયલ સર્વિસનું પેપર લીક થયું હતું. જેમાં સૂર્યા ઓફસેટના માલિક મુદ્રેશ પુરોહિતની મહત્વની ભૂમિકા રહી હતી. RPSCના ચેરમેન હબીબ ગુરૌની દીકરી પરીક્ષા આપી રહી હતી, જેથી તેમને સરકારમાં પત્ર લખીને ચેરમેન પદથી દૂર રહેવા પરવાનગી માંગી હતી. ચેરમેન પદ પરના હોવા છતાં તેમને સૂર્યા ઓફસેટ અમદાવાદ આવીને મુલાકાત કરી અને પેપર જોયા હતા.વધુમાં કહ્યું કે જે અંગે સૂર્યા ઓફસેટે ક્યાંય એન્ટ્રી પણ કરી નહોતી અને તે સમયે પેપર લીક થયું હતું. પેપર લીક થયું ત્યારે કોંગ્રેસની સરકાર હતી પરંતુ ફરિયાદ થઈ અને તપાસ થઈ ત્યારે ભાજપની સરકાર હતી, જેમાં મુદ્રેશ પુરોહિતને સાક્ષી જ બનાવવામાં આવ્યા હતા. જે બાદ મુદ્રેશે ભાજપને 1 લાખ ફંડ પણ આપ્યું હતું.કોંગ્રેસનો આક્ષેપ છે કે રાજસ્થાનમાં આટલું મોટું કૌભાંડ થયા બાદ પણ ગુજરાતમાં પણ સૂર્યા ઓફસેટને જ કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો.


