અમદાવાદ,સોમવાર
પેપર લીક પ્રિન્ટિંગ પ્રેસના માલિકને ભાજપ સાથે જૂનો સંબંધ હોવાની સાથે નરેન્દ્ર મોદીના પુસ્તકો પણ આજ પ્રેસમાં છપાયા હોવાનું બહાર આવતા મુખ્યમંત્રી સહિત ભાજપના નેતાઓ અસમંજસમાં મુકાયા છે.બીજી તરફ કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ પણ ટ્વીટ કરી ભાજપ પર આક્ષેપ કર્યો છે, તેઓએ જણાવ્યું કે, અનેક પરીક્ષાઓના ‘પેપર લીક સેન્ટર’ સૂર્યા ઓફસેટ પ્રેસનો માલિક પુરોહિત ભાજપ-RSS સાથે જોડાયેલો છે.
આજ પ્રિન્ટિંગ પ્રેસમાં નરેન્દ્ર મોદીજીની અનેક પુસ્તકો પ્રિન્ટ થયા છે. ગુજરાતને આજકાલ પેપર લીકકાંડનું હબ બનાવી દીધું છે. પ્રિન્ટિંગ પ્રેસના સુપરવાઈઝર કિશોર આચાર્યએ 9 લાખ રૂપિયામાં મંગેશ નામના વ્યક્તિને આ પેપર વેચ્યું હતું. ગાંધીનગર એલસીબીએ કિશોર આચાર્યની અટકાયત કરી તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, કિશોર મંગેશની પત્નીના કૌટુંબિક કાકા થાય છે અને તે પ્રિન્ટિંગ પ્રેસમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. જ્યારે અન્ય આરોપી દિપક પટેલ સિંગરવા હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ચલાવે છે જેની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. પ્રિન્ટિંગ પ્રેસ અને ગૌણ સેવા પસંદગી મંડળના કોઈ કર્મચારીઓ સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે.

