ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને વિવાદો પર્યાય બની ચૂક્યા છે, અગાઉ તેમની પત્નીએ મિલકતને લઈ નોટિસ ફટકારી હતી અને હવે રેેશમા સોલંકીએ હાઈકમાન્ડ અને ગુજરાતના પ્રભારી રઘુ શર્માને પત્ર લખીને ભરતસિંહ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. ભરતસિંહ સોલંકીને કોંગ્રેસની કેટલીય મહિલાઓ સાથે સંબંધ હોવાનો ઘટસ્ફોટ પણ કર્યો છે. માત્ર એટલું જ નહી પણ ભરતસિંહ કોંગ્રેસની 8થી 10 જેટલી મહિલાઓને રાત્રે બિભત્સ મેસેજ કરતા હોવાનો પણ આક્ષેપ કર્યો છે અને તેમના મોબાઈલ ફોન અને ફેસબુક એકાઉન્ટની તપાસ કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય તેમ હોવાનું પણ કહ્યું છે. રેશમા પટેલે સોશિયલ મીડિયામાં એક વીડિયો પણ શેર કર્યો છે અને તેમાં કહ્યું છે કે, હું રેશમા ભરતસિંહ સોલંકી, જે લેટર લખ્યો છે મેં પોતે જ લખ્યો છે, મીડિયાના માધ્યમથી હાઈકમાન્ડને જણાવું છું, હું પોતે વિક્ટીમ છું હું જસ્ટિસની અપીલ કરું છું. રેશમા સોલંકીના લેટરબોમ્બથી ગુજરાત કોંગ્રેસમાં ખળભળાટ મચ્યો છે અને ભરતસિંહ સામે શું જવાબ આપે છે તેના ઉપર સૌ કોઈની નજર મંડાયેલી છે.
રેશમા સોલંકીએ સોશિયલ મીડિયામાં વીડિયો શેર કર્યો છે અને સાથે-સાથે હાઈકમાન્ડને લખેલો પત્ર પણ શેર કર્યો છે. જેમાં ભરતસિંહ ઉપર સનસનીખેજ આક્ષેપ કર્યા છે. ભરતસિંહને અન્ય મહિલાઓ સાથે સંબંધ હોવાનું પણ રેશમાએ કહ્યું છે. માત્ર એટલું જ નહી પણ ભરતસિંહને પોતાનાથી અડધી ઉંમરની યુવતીઓ સાથે પણ સંબંધ હોવાનું કહ્યું છે. કોંગ્રેસની ૮થી 10 મહિલાઓને રાત્રે બિભત્સ મેસેજ કરતા હોવાનું પણ કહ્યું છે. પોતાની આપવીતિ જણાવતાં રેશમાએ લખ્યું છે કે, મેં ૨૪ વર્ષ સુધી તેમની સાથે જિંદગી વિતાવી અને તેમની નિયત સુધારવાની ઘણી કોશિશ કરી પણ બધી કોશિશ નાકામ રહી છે. વારંવાર મેં મારા પતિને સમજાવ્યા પણ તે કોઈની પણ સાંભળતા નથી અને પોતાની મનમાની કરે છે.

ઘરમાં રાત્રે પોતાના બેડરૂમમાં જઈને અંદરથી દરવાજાે બંધ કરીને તેઓ કોંગ્રેસની ૮થી ૧૦ ગંદી બદચલન ધરાવતી મહિલાઓને લગાતાર ગંદા મેસેજ કરે છે. જે જે મહિલાઓ સાથે તેમણે સંબંધ છે તે મહિલાઓને પણ ગુજરાત પ્રભારી સબક શિખાવે તેવું કહ્યું છે. હું આ બધી મહિલાઓને એક વાર સુધરવાનો મોકો આપું છું અને કહ્યું છું કે, મારા પતિને બિલકુલ ટેલિફોનિક સંપર્ક અથવા મેસેજ કરે નહી. સાઈબર ક્રાઈમ ભરતસિંહના ફોન નંબર અને તેમના બનાવેલા ફેસબુક એકાઉન્ટની તપાસ કરે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય તેમ છે અને આ માટે કોર્ટમાં દાદ માગવાનો પણ પત્રમાં ઉલ્લેખ કર્યો છે.
ગુજરાત પ્રભારી રઘુ શર્માને લખેલા પત્રમાં લખ્યું છે કે, મેં મારી કમજાેર સમજણમાં 24 વર્ષ પહેલાં મારા પરિવાર માનતો ન હોવા છતાં ભરતસિંહના પ્યાર ભરે શબ્દોને પ્યાર સમજીને તેમની સાથે લગ્ન કરવાનો કઠોર નિર્ણય લીધો હતો. 67 વર્ષની ઉંમર હોવા છતાં તેમણે મને ઘરેથી કાઢી મૂકી હતી. મારા પતિ મારાથી 23 વર્ષ ઉંમરમાં મોટા છે અને તેમણે જાણી બૂઝીને મારી લાઈફ બરબાદ કરી નાખી છે. મને પત્ની હોવાનો કોઈ અધિકાર પણ આપ્યો નથી અને મને ઘરમાંથી બળજબરી કાઢી મૂકી હતી. આજે હું તેમના ખૌફથી અમેરિકામાં મારી મિત્રના સહયોગથી મારું પોતાનું ગુજરાન ચલાવવા માટે સંઘર્ષ કરી રહી છું. મારી પાસે અહીંયા અને ગુજરાતમાં પણ રહેવા માટે કોઈ ઘર અથવા સહારો નથી. ભરતસિંહના અનેક અનૈતિક સંબંધો આજ સુધી દિલમાં દર્દ અને ગમ સાથે ચૂપ ચૂપથી રડીને દિવસો વીતાવ્યા છે. હવે હું વધારે સહન કરી શકું તેમ નથી, હું હવે ચૂપ નહી રહું. છેલ્લે રેશમા સોલંકીએ લખ્યું છે કે, બિગડે બેટે કી ઘર સે નિકાલી ગઈ બેસહારા ઔરત.


