ગાંધીનગર,શુક્રવાર
ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી વર્ષ 2022માં થવાની છે. એવામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે ચૂંટણી લડવા માટે કોંગ્રેસને હવે નવા પ્રદેશ પ્રમુખ મળવા જઈ રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની અલગ અલગ ચૂંટણીઓમાં કોંગ્રેસનો એક બાદ એક કારમો પરાજય થઈ રહ્યો છે. એવામાં કોંગ્રેસમાં પ્રાણ ફૂંકવા માટે નેતૃત્વ પરિવર્તન કરવામાં આવે તેને લઈને લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી હતી ત્યારે અનેક નામોની ચર્ચાઓ બાદ આખરે સત્તાવાર રીતે કોંગ્રેસનાં નવા સુકાનીનાં નામની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખપદે ઠાકોર સમાજના આગેવાન અને ઉત્તર ગુજરાતના ખમતીધર નેતા જગદીશ ઠાકોરને સત્તાવાર પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આજે સાંજે ગાંધીનગરમાં ધારાસભ્યો સાથેની બેઠકમાં વિરોધપક્ષના નેતાપદે આદિવાસી નેતા સુખરામ રાઠવાનું નામ જાહેર કરવામાં આવશે.

ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ ગુજરાતમાં ઠેર ઠેર સભાઓ યોજીને કોંગ્રેસના કાર્યકરોને કહ્યું હતું કે જૂથવાદ છોડીને કામે લાગી જાઓ, રાજ્યમાં છેલ્લાં 25 વર્ષથી કોંગ્રેસ સત્તામાં નથી. કોંગ્રેસને સત્તામાં લાવવા માટે તમામ કાર્યકરો જૂથવાદને ભૂલીને પક્ષ અને સંગઠનને મજબૂત કરવાનું કામ કરો, પરંતુ કોંગ્રેસમાં સતત ઊકળી રહેલા જૂથવાદથી તેઓ પણ હવે નવા નેતાની પસંદગીને લઈને ભોંઠા પડ્યા હતા.ત્યારે જગદીશ ઠાકોરને ગુજરાત કોંગ્રેસનાં અધ્યક્ષ બનાવવામાં આવશે જ્યારે વિપક્ષ નેતા તરીકે સુખરામ રાઠવાના નામે મહોર મારવામાં આવી છે.
કોણ છે જગદીશ ઠાકોર ?
જગદીશ ઠાકોર પાટણથી કોંગ્રેસ સાંસદ રહી ચૂક્યા છે અને ઉત્તર ગુજરાતનાં ઠાકોર સમાજના નેતા માનવામાં આવે છે. જગદીશ ઠાકોરને કમાન સોંપીને કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક જાતીય સમીકરણ ગોઠવવા માટે પ્રયાસ કરી રહી હોય તેવું રહ્યું છે.
કોણ છે સુખરામ રાઠવા ?
સુખરામ રાઠવા આદિવાસી સમાજમાં સારું પ્રભુત્વ ધરાવે છે, ત્યારે ઉત્તર ગુજરાતમાં જગદીશ ઠાકોર અને મધ્ય તથા દક્ષિણ ગુજરાતમાં આદિવાસી મતો માટે સુખરામ રાઠવાને કમાન અપાઈ હોય તેવું દેખાઈ રહ્યું છે. આમ ગુજરાતમાં OBC પ્લસ આદિવાસી નેતા નક્કી કરવામાં આવ્યા છે.


