કોરોના મહામારીને કારણે રાજ્યમાં સૌથી વધારે અસર શિક્ષણને થઈ છે. 15 મહિના કરતા પણ વધારે સમય સુધી શાળા બંધ રહી, વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ લેવાની ફરજ પડી છે. 50 ટકાથી વધારે વિદ્યાર્થીઓ શિક્ષણના સાતત્યથી વંચિત રહ્યા છે. જે વિદ્યાર્થીઓ ઓનલાઈન એજ્યુકેશનમાં જોડાયા એમને પણ લેખન, વાંચનમાં મોટી મુશ્કેલી ઊભી થઈ છે. આ ઓનલાઈન શિક્ષણની એક પ્રકારની મર્યાદા છે. વર્ડખંડ શિક્ષણ વધુ અસરકારક અને વિશેષરૂપે ફાયદાકારક હોય છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આ વિષય પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખ્યો છે. શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રી પાસે કોર્ષ ઘટાડા અંગે માગ કરી છે. પત્રમાં એવું પણ જણાવ્યું છે કે, ગુજરાત રાજ્યમાં શૈક્ષણિક વર્ષ 2021-22માટે શૈક્ષણિક અભ્યાસ ક્રમ નક્કી કરવો અનિવાર્ય છે. CBSE તરફથી ત્રણ મહિના પહેલા જ અભ્યાસક્રમમાં ઘટાડો કરી દેવામાં આવ્યો હતો. હજુ સુધી રાજ્યના શિક્ષણ વિભાગે અને ખાસ કરીને ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધો.10 અને 12ના અભ્યાક્રમમાં કોર્ષ ઘટાડા અંગે કોઈ નક્કર પગલાં નથી ભરાયા. પરિણામે વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ મુંઝવણમાં છે. દરેક વિષયમાં અભ્યાસક્રમ નક્કી થઈ જાય તો પ્રકરણદીઠ વિદ્યાર્થીઓ એ દિશામાં સારી મહેનત કરી શકે છે. અનિર્ણાયકતાના કારણે ગુજરાતના લાખો વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી તૈયારીઓ કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. ખાસ કરીને બોર્ડના વિદ્યાર્થીઓ માટે કસોટીને ચાર મહિનાનો સમય બાકી છે. એવા સમયે રાજ્યના શિક્ષણ વિભાગ અને બોર્ડ તરફથી નક્કર નિર્ણયના અભાવે વિદ્યાર્થીઓના ભાવિ અંગે, કેરિયર અંગે પડકાર ઊભો છે.

ગુજરાતની ઘણીબધી શાળાઓ પાસે મુખ્ય વિષયોના શિક્ષકો નથી. જેની અસર વિદ્યાર્થીઓના શિક્ષણ પર પડે છે. પ્રવાસી શિક્ષકનો ઠરાવ ન થવાથી કેટલાય મહત્વના વિષયોના શિક્ષકો વગર પ્રથમ સત્ર પૂર્ણ થયું છે. જ્યાં શૂન્ય અભ્યાસ થયો છે. પીરિયડના કલાકો અને દિવસોની ગણતરીને ધ્યાને લઈને અભ્યાસક્રમ ઘટાડાથી લાખો વિદ્યાર્થીઓના ફાયદો થાય એમ છે.
સંદર્ભે ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ, વાલીઓ અને હજારો શિક્ષકો – શિક્ષણ વ્યવસ્થાના હિતમાં તાત્કાલીક નિર્ણય કરવા માંગણી છે. છેલ્લા ઘણા વર્ષોથી રાજ્યની અનેક શાળાઓમાં 200 દિવસ કે તેની આસપાસ વર્કિંગ ડે રહેતા હોય છે. જેમાં 200માંથી 50 દિવસો બાદ કરી દઈએ તો ગત વર્ષના શૈક્ષણિક વર્ષમાં ફક્ત 140-150 દિવસનું શિક્ષણકાર્ય શક્ય બન્યું હોવાના રીપોર્ટ છે. તેમાં પણ મહત્તમ ઓનલાઈન શિક્ષણ હતું. જેમાં 50 ટકાથી વધુ વિદ્યાર્થીઓ કોઈને કોઈ કારણોસર જોડાઈ શકયા નથી. ગ્રામ્ય વિસ્તારની શિક્ષણની સ્થિતી તો અતિ ગંભીર છે. જૂન 2022-12નું શૈક્ષણિક સત્ર તા. 20 એપ્રિલના રોજ શરૂ થવાના બદલે મહામારી કોવિડને કારણે ફક્ત ચાલુ શૈક્ષણિક વર્ષ પુરતી તા.8 જુનથી શાળાઓ શરૂ કરવાની તારીખ નિયત કરવામાં આવી હતી.
એટલે કે 2021-22માં કુલ અભ્યાસક્રમનાં 30થી 40 ટકા અભ્યાસક્રમને પ્રત્યેક વિષયમાં ઘટાડો કરવો પડે તેવુ અમારું માનવું છે. ખાસ કરીને પ્રત્યેક દિવસના અભ્યાસને શૈક્ષણિક દિવસોની તુલનામાં જોવામાં આવે તો આ પરિણામ નીકળે છે. ધો9થી 12 ના અભ્યાસક્રમને લઈને જરૂરી નિર્ણય લેવો અનિવાર્ય છે.


