થિયેટરમાં ‘સૂર્યવંશી’ની ધમાકેદાર કમાણી બાદ OTT (ઓવર ધ ટોપ) પર પણ અક્ષય કુમાર ખિલાડી સાબિત થયો છે. 24 ડિસેમ્બરે ડિઝ્ની હોટસ્ટાર પર અક્ષયની નવી ફિલ્મ ‘અતરંગી રે’ રિલીઝ થવાની છે. આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પરની અત્યાર સુધીની મોંઘી ફિલ્મ છે. આ ફિલ્મને હોટસ્ટારે 200 કરોડમાં ખરીદી છે.
‘અતરંગી’ સાથે થયેલી ડીલથી એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે થિયેટર ખુલ્યા બાદ ડિજિટલ પ્લેટફોર્મ્સ યુઝર્સને આકર્ષવા માટે મોં માગી કિંમત ચૂકવવા તૈયાર છે. ‘અતરંગી’ રિલીઝ પહેલાં જ 200 કરોડ બોક્સ ઓફિસ ક્લબમાં સામેલ થઈ છે. ફિલ્મનું બજેટ 120 કરોડ રૂપિયા છે અને ફિલ્મ 200 કરોડમાં વેચાઈ છે. એટલે ફિલ્મે ચોખ્ખો 80 કરોડનો નફો કર્યો છે. સલમાનની ‘અંતિમ’ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થવાની હતી, પરંતુ થિયેટર ખુલ્યા બાદ સલમાને નિર્ણય બદલ્યો અને હવે તે થિયેટરમાં રિલીઝ થશે. ‘અતરંગી’ માટે પણ પહેલેથી જ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને આ નિર્ણય બદલવો અશક્ય હતો.
‘સૂર્યવંશી’એ બોક્સ ઓફિસ પર એ વાત સાબિત કરી કે અક્ષય કુમાર સેલેબલ તથા વિશ્વાસપાત્ર એક્ટર છે અને છતાંય ‘અતરંગી’ને મેકર્સે થિયેટરમાં રિલીઝ કરી નહીં. આ વાત એ તરફ ઈશારો કરે છે કે થિયેટર ખુલ્યા બાદ ફિલ્મ બિઝનેસમાં ડિજિટલ પ્લેટફોર્મનો આગવો દબદબો બતાવે છે. ફિલ્મ પ્રોડ્યૂસર તથા ટ્રેડ એનલિસ્ટ ગિરીશ જૌહરે કહ્યું હતું કે ‘અતરંગી રે’ કોઈ પણ ડેટ પર રિલીઝ થતી તો નાની-મોટી ફિલ્મ જગ્યા કરી જ આપત. જોકે, મેકર્સે ડિજિટલ પ્લેટફોર્મની પસંદગી કરી, એનો અર્થ એ કે તેમને અહીંયા વધુ નફો મળે છે. ડિજિટલ પ્લેટફોર્મ પર હવે વધુ અગ્રેસિવ રીતે ફિલ્મની ખરીદી થશે. ફિલ્મનું સિલેક્શન સતર્ક રીતે કરશે. નવા વ્યૂઝર્સ મળે અને હાલના યુઝર્સને જાળવી રાખે તે માટે મોટી ફિલ્મની ખરીદી થતી રહેશે.