પહેલી ડિસેમ્બરથી ઘર વપરાશમાં લેવાતા રાંધણગેસના 14 કિલોના સિલિન્ડરના ભાવમાં બીજો રૂ.55નો વધારો આવવાની સંભાવના હોવાનું સૂત્રોનું કહેવું છે. આ અંગની જાહેરાત આગામી 28મી નવેમ્બર સુધીમાં કરી દેવામાં આવે તેવી સંભાવના છે. તો બીજી તરફ 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ રૂ.84 જેટલો વધીને રૂ.2089ને પાર જવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
અત્યારે પણ કોમર્શિયલ અને ડોમેસ્ટિક વપરાશના સિલિન્ડરના મળતા રાંધણગેસના કિલોદીઠ ભાવમા રૂ.35 જેટલો તફાવત હોવાથી રસ્તા પર ચાની કીટલી બનાવનારાઓ તેમના ઘરમાં વધુ સિલિન્ડર મંગાવીને તે સિલિન્ડરનો ઉપયોગ કોમર્શિયલ હેતુ માટે કરી રહ્યા છે. આ જ રીતે હોટેલ્સ સહિતના કોમર્શિયલ હેતુ માટે પણ ડોમેસ્ટિક સિલિન્ડરનો વપરાશ સતત વધી રહ્યો છે. પહેલા ડોમેસ્ટિક સિલિન્ડર વરસના નવ કે બારથી વધુ લે તો સબસિડી મળતી નહોતી.

મે 2020થી રાંધણગેસના સિલિન્ડર પર સરકાર દ્વારા સબસિડી આપવાનું બંધ કરી દેવાયું છે. તેથી કોમર્શિયલ વપરાશ કરનારાઓ પણ ડોમેસ્ટિક સિલિન્ડરનો ઉપયોગ કરી લઈને બચત કરવાનું વલણ ધરાવતા થયા છે. કોમર્શિયલ સિલિન્ડરનો કિલોદીઠ ભાવ રૂા.105ની આસપાસ આવે છે. તેની સામે ડોમેસ્ટિક સિલિન્ડરમાં આપવામાં આવતા રાંધણગેસનો કિલોદીઠ ભાવ રૂ.64ની આસપાસનો છે.

ઓલ ઇન્ડિયા ઇન્ડેન ડિસ્ટ્રીબ્યુટર્સ એસોસિયેશને રાજ્ સરકારને રાંધણગેસના વિતરણની વ્યવસ્થાને ગુજરાત એસેન્શિયલ આર્ટિકલ (લાઈસન્સિંગ, કંટ્રોલ અને સ્ટોક ડિક્લેરેશનની જોગવાઈમાંથી મુક્તિ આપવાની માગણી કરવામાં આવી છે. રાજ્યના પરવાના આદેશની વ્યવસ્થામાંથી ગેસ વિતરણ વ્યવસ્થાને મુક્તિ આપવાની તેમણે માગણી કરી છે.

છેલ્લા દસ વર્ષમાં ડીઝલના ભાવમાં 112 ટકાનો વધારો થયો છે. ટાયર ડયૂબના ભાવમાં 35 ટકા, વીમાના ચાર્જમાં 56 ટકા, મજૂરીના દરમાં 83 ટકા, થ્રી વ્હિલરની કિંમતમાં 88 ટકા, અને થ્રી વ્હિલરની સર્વિસ તથા રિપેરિંગના ખર્ચમાં 187 ટકાનો વધારો થયો છે. પરંતુ તેની સામે ગેસ સિલિન્ડરનું વિતરણ કરનારાઓ પહેલા પાંચથી પંદર કિલોમીટરની રેન્જમાં ગેસ સિલિન્ડર સપ્લાય કરતાં હતા તે રેન્જ હવે વધીને 30થી 35 કિલોમીટરની થઈ ગઈ છે.